વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બપોરે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરશે. અહીં તેઓ ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કરશે. વડાપ્રધાનશ્રી આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કરશે. બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભામાં પધારશે. જ્યાં તેમના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ થશે. રેસકોર્સ ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રૂપિયા ૩૯૪ કરોડના ખર્ચે સંપન્ન સૌની યોજનાની લિન્ક ૩ના પેકેજ પેકેજ-૮ અને ૯, તેમજ રાજકોટમાં રૂપિયા ૧૨૯.૫૩ કરોડના ખર્ચે કે.કે.વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ઈ-લોકાર્પણ કરશે.
આ ઉપરાંત રૂ. ૪૧.૭૧ કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની ૧૨૧૯ ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ-૧માં રૈયાધારમાં રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ-૧૮માં કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ-૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું પણ તેઓ રિમોટથી લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષતા ઉપર એક નજર કરી તો રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર હિરાસર પાસે રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ એરપોર્ટનું ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ભૂમિપૂજન થયું હતું જેનો પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ થયો હતો એરપોર્ટ સંકુલ ૨૫૩૪ એકરમાં ફેલાયેલું છે. આ એરપોર્ટ ૩૦૪૦ મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો રન-વે ધરાવે છે. જેના પર એકસાથે ૧૪ વિમાનની પાર્કિંગ ક્ષમતા છે એરપોર્ટમાં ૨૩ હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવાયું છે
સૌની યોજનાની વિશેષતા ઉપર એક નજર કરી તો સૌની યોજના લિન્ક-૩ના પેકેજ-૮ તથા પેકેજ-૯નું કાર્ય રૂપિયા ૩૯૩.૬૭ કરોડના ખર્ચે સંપન્ન થયું છે આ બંને પેકેજના ઉદઘાટનથી સૌરાષ્ટ્રના ૫૨,૩૦૦ એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધુ સઘન બનશે. ઉપરાંત રાજકોટ જિલ્લાના ૯૫ ગામના ૯૮ હજારથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળશે. પેકેજ-૮ દ્વારા ૪૨,૩૮૦ એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે. જેનાથી આશરે ૧૦,૫૬૮ ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકશે. ઉપરાંત ૫૭ ગામોના ૭૫ હજારથી વધુ લોકોની પીવાના તથા સિચાઈના પાણીની સુવિધામાં વધારો થશે. આ પેકેજ-૯ કાર્યાન્વિત થતાં ૩૮ ગામોના ૨૩ હજારથી વધુ લોકોને ફાયદો થશે તથા ૧૦,૦૧૮ એકર જમીનને સિંચાઈની સુવિધાઓ મળતાં ધરતી હરિયાળી બનશે.
કે.કે.વી.ચોક મલ્ટિલેવલ ફ્લાય ઓવરબ્રિજની વિશેષતા ઉપર એક નજર કરી તો આ બ્રિજ રૂ.૧૨૯.૫૩ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે શહેરના કાલાવડ રોડ પર કે.કે.વી. ચોકમાં હયાત બ્રિજ ઉપર સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજ બનાવાયો છે ૧.૧૫ કિલોમીટર લાંબા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ બ્રિજથી કાલાવડ રોડ ટ્રાફિકની સમસ્યા હલ થશે