રાજકોટ ખાતે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારતા હોવાથી તેમનાં સ્વાગત-સત્કાર માટે જિલ્લા ભાજપનાં આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ છવાયો છે. રેસકોર્ષ ખાતે આયોજીત જાહેરસભા સાથે હિરાસર એરપોર્ટ સહિતના અનેકવિધ લોકાર્પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે રાજકોટ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે આવતીકાલે ગુરૂવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 3-00 કલાકે રાજકોટ પધારશે. રેસકોર્ષ ખાતેની જાહેરસભામાં એક લાખની જનમેદની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવશે.તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપી છે. ગુજરાતમં સૌથી મોટું અને 10માં નંબરનું સ્થાન ધરાવતા રાજકોટ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. રાજકોટ ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યાન્વીત થતા સૌરાષ્ટ્રનાં વિકાસને નવી દિશા મળશે.આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સૌની યોજનાનાં ફેઝ 8 અને 9નું પણ લોકાર્પણ કરશે. સાથોસાથ રાજકોટનાં બ્રિજ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરશે. 10મી ઓગષ્ટથી નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થનાર છે.તેમજ મનપા મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે રાજકોટ માટે કાલનો દિવસ ઐતિહાસિક બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા અનેકવિધ સંસ્થાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 130 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓવર બ્રીજ અને 8 કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન લાયબ્રારીનું લોકાર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત પત્રકાર પરિષદમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, જિ.પં. પ્રમુખ ભુપતભાઈ બોદર, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.