કેશોદ અને માંગરોળના ઘેડ પંથકના અનેક ગામો ચોમાસાની શરૂઆતથી જ આકાશી આફતનો સામનો કરતા આવ્યા છે. વરસાદ રહી ગયો છે છતાં હજુ પણ અહીં પાણી ઓસવાનું નામ નથી લેતા અને ખતરો બેટમાં ફેરવાયા છે. પંચાળા થી બાલાગામ નો મેઇન રોડ સંપૂર્ણ ધોવાઇ જતા રોડ પર મોટા ખાડાઓ પડી ગયા છે જેને લઇ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાબલી અને ઓઝત નદીના પાણી ઘેડ પંથકના ખેતરોની અંદર ફરી વળ્યા છે ત્યારે પંચાળા ગામે આવેલ તળાવનો પાળો તૂટવાની ઘટના બનતા ખેડૂતોની જમીનનું મોટુ ધોવાણ થયું છે. પંચાળા થી બાલાગામ જતો રોડ અતિ બિસ્માર બન્યો છે ત્યારે રોડની કામગીરી સમયે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામ લોકોનો આક્ષેપ છે. આ વિસ્તારના ખેડૂતો વર્ષોથી ઓઝત નદીને પહોળી અને ઊંડી કરવા માંગ કરી રહ્યા છે ત્યારે ઘેડ પંથકના કાયમી નિરાકરણ માટે સરકાર હવે જાગે તે જરૂરી બન્યું છે. હાલ ખેડૂતોના પાકનું ધોવાણ થયું હોય અને અન્ય પણ નુકસાની થયેલ હોય ત્યારે વહેલી તકે સરકારે સહાય ચૂકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.