રાજ્યની 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજની 2100 બેઠક પર પ્રવેશ માટે 13 ટકાથી 88 ટકા સુધીનો ફી વધારો ઝીંકી દેવાતા વિદ્યાર્થીઓ-વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. રવિવારે સવારે મોટી સંખ્યામાં વાલીઓએ રેસકોર્સ પાસે એકઠા થઇને વિરોધ અને સૂત્રોચ્ચાર કરી ફી વધારો પાછો ખેંચવા માગણી કરી હતી. વાલીઓએ કહ્યું હતું કે, સ્ટેટ ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટા, એનઆરઆઈ ક્વોટાની ફીમાં વધારો કરાતા ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ફી વધારો પાછો નહીં ખેંચાય તો મધ્યમવર્ગના અનેક વિદ્યાર્થીઓ જીએમઈઆરએસ મેડિકલ કોલેજોમાં પ્રવેશથી વંચિત રહેશે અન તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન રોળાઈ જશે. તેમજ વરસતા વરસાદે વાલીઓ દ્વારા આ અંગે મીડિયા સમક્ષ રજૂઆત કરાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ફીમાં 10% જેટલો વધારો થતો હોય છે. જેને બદલે 3.30 લાખના સાડા પાંચ લાખ રૂપિયા એટલે કે 67 ટકાનો વધારો અને મેનેજમેન્ટ ક્વોટા માટે રૂ.9 લાખના બદલે સીધા 17 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. જેને લઈને હવે માત્ર ધનિકોના બાળકો જ ડોક્ટર બની શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘર વેચવા પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. આ અંગે ખરેખર બે વર્ષ પહેલાં જાણ કરવી જોઈએ. ત્યારે ફી વધારો તાત્કાલિક પરત ખેંચાય તેવી અમારી માંગ છે. આ મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની તૈયારી છે. તેમજ રાજ્યની મેડિકલ કોલેજોમાં કરાયેલા અસહ્ય ફી વધારા સામે ઓર્થોપેડિક સર્જન અને ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલીમંડળના પ્રમુખ ડૉ. કનુભાઈ પટેલે રવિવારે રાજકોટના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહને લેખિત રજૂઆત કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, આ ઓચિંતા ફી વધારાને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન રોળાઈ રહ્યું છે. આથી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ફી વધારો પાછો ખેચવામાં આવે તેવી રજૂઆત કરી હતી.