રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિરાસર ગામ ખાતે ગુજરાતનું પ્રથમ ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ આકાર પામ્યું છે. આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. આગામી 27 જુલાઈના રોજ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડ્રિમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવનાર છે. લોકાર્પણ પૂર્વે આજે રાજકોટ માટે ભુતો ન ભવિષ્યની ઘડી સર્જાઈ છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરફોર્સના 737 બોઇંગનું પ્રથમ વખત લેન્ડિંગ કરવામાં આવતા આજે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઇ છે. પ્રધાનમંત્રીના હસ્તે એરપોર્ટનું ભવ્ય ઉદઘાટન થાય તે પૂર્વે આજથી એરફોર્સના હવાલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી ગયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમજ ગત 20 જુલાઈના રોજ DGCAના બે અધિકારીઓની ટીમ દ્વારા વિવિધ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં તેઓ દિલ્હી ખાતે પોતાનો રિપોર્ટ સબમિટ કરે તે પછી તરત લાઇસન્સ ઇશ્યુ કરી દેવામાં આવશે. એરપોર્ટના ઉદ્ઘાટન પહેલાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના ચેરમેન સંજીવકુમાર રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં આવતાંની સાથે જ હિરાસર એરપોર્ટ પહોંચીને તેમણે લોકાર્પણ કાર્યક્રમ માટે તમામ તૈયારીની સમીક્ષા કરી હતી. અહી ઉલ્લેખનીય છે કે, રાજકોટથી 30 કિમી અંતરે આવેલા હીરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટરમાં ઊભું કરવામાં આવ્યું છે. જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યાં છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે. આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિમીની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. જેને પગલે એરબસ (એ 320-200), બોઇંગ (બી 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે.