રાજકોટ મનપામાં મળેલી જનરલ બોર્ડમાં ભાજપના જ કેટલાક કોર્પોરેટરોને જાણે પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ જ ન હોય તેમ મોબાઈલ મચડતા નજરે પડ્યા હતા. તાજેતરમાં જ આવી ઘટના બની હતી. ત્યારબાદ મેયર દ્વારા મોબાઈલ ન વાપરવા પર સૂચના આપવામાં હતી. તેમ છતાં આ સૂચનાને આજે ઘોળી પિનારા વધારે ત્રણ કોર્પોરેટરો મોબાઈલમાં વ્યસ્ત હોય તેવાં દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતાં. જેમાં કોઈ ઇન્સ્ટાગ્રામ પર તો કોઈ વોટ્સએપ અને મોબાઈલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતા. આ અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા બધાએ પોતાના વિસ્તારની સમસ્યાઓના જવાબ આપતા હોવાનો લૂલો બચાવ કર્યો હતો.તેમજ રાજકોટ મનપાના ચાલુ બોર્ડ દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત કોર્પોરેટરો અંગે મેયર ડો. પ્રદીપ ડવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અગાઉ સૂચના આપ્યા છતાં આજે વધુ ત્રણ કોર્પોરેટર મોબાઈલમાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ તમામને ખુલાસો પૂછવામાં આવશે. જનરલ બોર્ડમાં એક કલાક પ્રજાના પ્રશ્નો માટે જ હોવો જોઈએ.આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ બોર્ડમાં મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. આગામી સમયમાં ફરીથી દરેકને સૂચના આપવામાં આવશે કે, એક કલાક મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળવું. હું પોતે પણ આ એક કલાક મોબાઈલનો ઉપયોગ કરતો નથી. આ બાબતનો ગંભીરતાથી અમલ કરવાની ખાતરી તેમણે આપી હતી.