રાજકોટથી ર૦ કિ. મી. દૂર બનાવાયેલ આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના હસ્તે દબદબાભર્યુ અને શાનદાર લોકાર્પણ તા. ર૭ જૂલાઇએ કરવા અંગે દિલ્હી પીએમઓ હાઉસથી એરપોર્ટ ઓથોરીટી મેનેજર તથા રાજકોટ કલેકટરને મેસેજ મળતા જ તંત્ર હાઇ એલર્ટ બની ગયું છે, અને લોકાર્પણ અંગે તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. તે દરમિયાન રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, અમને દિલ્હીથી ર૭ મીએ હિરાસર એરપોર્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ અંગે મૌખિક મેસેજ મળ્યો છે, તૈયારીઓ અંગે સુચના અપાઇ છે, હજુ લેખીતમાં કોઇ મેસેજ આવ્યો નથી. તેમજ તેમણે વધુમાં જણાવેલ કે ગઇકાલે સાંજે આ મેસેજ આવ્યા બાદ આજે સવારે હિરાસર એરપોર્ટ ખાતે તમામ નિરીક્ષણ તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરાઇ છે, હિરાસર ખાતે કલેકટરશ્રી પ્રભવ જોષી, એડીશ્નલ કલેકટર ઉપરાંત, પ્રાંત-ર શ્રી સંદિપ વર્મા, મામલતદાર શ્રી કરમટા, એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ-મેનેજર દોડી ગયા છે. કલેકટરે ‘અકિલા‘ ને જણાવેલ કે હિરાસર એરપોર્ટ ખાતે ફેઝ-૧ નું તમામ કામ પૂર્ણ થયું છે, ફેઝ-ર માં ટર્મીનલ, એટીસી ટાવર સહિતની કામગીરી થશે, આજે અમે તૈયારીઓ અંગે આખરી ઓપ આપી રહ્યા છીએ. આ દરમિયાન ટોચના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આ શનિવારે અથવા તો આવતા વીકમાં દિલ્હીથી વડાપ્રધાન સુરક્ષા અર્થે ખાસ કમાન્ડોની ટીમો આવી રહી છે, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના ચેરમેન -અધિકારીઓ પણ આવી રહ્યા છે, શનિવારે સંભવતઃ એરપોર્ટની ચેકીંગ ટીમ આવી રહી છે, વિગતો મુજબ રન-વે પટ્ટી નજીક જ સમારંભ સ્ટેજ ઉભા કરવા અંગે ફાઇનલ ઓપ અપાઇ રહ્યો છે.