રાજકોટ: રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ જિલ્લામાં લોધિકા,જેતપુર અને વિછીયા તાલુકામાં નવનિર્મિત છ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાપર અને કોટડા સાંગાણીમાં નિર્માણ પામનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રોના ખાતમુહૂર્ત કરાયા હતા.
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોલ ખાતે આયોજિત લોકાર્પણ-ખાતમુહુર્ત કાર્યક્રમમાં મંત્રીશ્રી બાબરિયાએ જણાવ્યું હતું કે, અક્ષરજ્ઞાન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણએ બાળક આંગણવાડી કેન્દ્રમાં જઈને શીખે છે ત્યારે બાળકની બીજી માતા યશોદા તેના ઉજ્જવળ ભવિષ્યની દરકાર લે છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણએ બાળકના શિક્ષણનો મહત્વનો પાયો છે ત્યારે બાળકો આંગણવાડીઓમાં જઈ જ્ઞાન સાથે ગમ્મત મેળવશે અને તેમનું પાયાનું શિક્ષણ મજબૂત બનશે.
આ સાથે જ મંત્રીશ્રીએ આંગણવાડી કેન્દ્ર ખાતે વધુમાં વધુ વૃક્ષારોપણ અને કિચન ગાર્ડન બનાવવા પર ભાર મૂક્યો હતો. એક વૃક્ષ એક દીકરીના નામે વાવી તેને દીકરીની જેમ ઉછેરવાનો આગ્રહ કર્યો, સાથે જ દીકરીઓ પોષણયુક્ત આહાર મેળવી ભવિષ્યની સુપોષિત માતા બને અને પોતાના સ્વપ્નો પણ પૂરા કરે તે સુનિશ્ચિત કરવા વાલીઓને આગ્રહ કર્યો હતો.
આ સાથે બાળકો, સગર્ભાઓ અને દીકરીઓ માટે આપવામાં આવતા ટી.એચ.આર.ના પેકેટનો પણ તેઓ સારી રીતે ઉપયોગ કરે અને બાળકના પહેલા બે કલાકમાં બાળકોને માતાનું દૂધ આપી તેને રક્ષિત કરવા માટે મંત્રીશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો.
મંત્રીશ્રીએ આ તકે વૃક્ષારોપણ કરી ઈન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે ૭૫ લાખના ખર્ચનું ફાયર ફાઈટર લોકાર્પિત કર્યુ હતું.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદરે લોકસુવિધાઓ માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં વિશે ઉપયોગી કામગીરી વિશે જણાવ્યું હતું તેમજ ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનની સમાજ ઉપયોગી કામગીરીનો ચિતાર આપ્યો હતો. ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહે માનવી ત્યાં સુવિધાની નેમ સરકાર સાર્થક કરી રહી છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટરશ્રી પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ સૌને આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આજરોજ લોકાર્પિત થયેલા લોધિકા, જેતપુર અને વીંછિયા તાલુકામાં રૂ.૩૫ લાખના ખર્ચે છ આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે તેમજ શાપર અને કોટડા સાંગાણીમાં રૂ.૮ કરોડ ૬૨ લાખના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. આ સાથે જ મંત્રીશ્રીએ જિલ્લાની ૭૦ મોડલ આંગણવાડીઓ અને ૪૭ આંગણવાડી કેન્દ્રો માટે રમતગમતના સાધનો અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જ્યોત્સનાબેન પાનસેરીયા, મહિલા અને બાળ સમિતિના ચેરમેનશ્રી સુમિતાબેન ચાવડા, સભ્યશ્રીઓ ધર્મેશભાઈ ટીલાળા, અલ્પાબેન, કંચનબેન, પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખશ્રી કિશોરભાઈ ટીલાળા, પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.