સમગ્ર ગોહિલવાડ વાસીઓની આતુરતાનો અંત આવ્યો છે ગતરોજ જિલ્લામાં મેઘરાજાએ પગરવ કર્યાં બાદ આજે શહેરમાં ગાજવીજ સાથે વિધિવત મંડાણ કરતાં લોકો-ધરતીપુત્રોને મન હાશકારો થયો છે શહેરમાં સિઝનના પ્રથમ વરસાદે જ જાણે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી ની પોલ ખુલ્લી હોય તેમ ઠેકઠેકાણે વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ચોમાસાનો ધોરી માસ એટલે અષાઢ માસ આ માસના આજકાલ કરતાં સાત દિવસ પણ પસાર થઈ ચૂક્યાં છે ત્યારે સ્વભાવિકપણે લોક માનસમાં ચોક્કસ પ્રશ્ન ઉદ્દભવે જ કે આખરે મેઘરાજા કયારે મહેરબાન થશે અને ધોધમાર વરસાદ પડે લોકોની આ પ્રાર્થના કુદરતે જાણે કબૂલ કરી હોય તેમ ગત રોજ ભાવનગર જિલ્લાના મહુવા તળાજા જેસર સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો.