રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને માટે ચાલી રહેલા રસોડાની મુલાકાત પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે લીધી હતી. તેમજ કુદરતી આપદાની ઘડીએ અન્નસેવાની આ પ્રવૃત્તિમાં ભાગ લેનાર સૌ સેવાભાવીઓને બિરદાવ્યા હતા. બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરાના જણાવ્યા અનુસાર ફૂડ પેકેટમાં સુખડી,ગાંઠિયા,બુંદી, પાણીની બોટલનો સમાવેશ થાય છે. હાલમાં વીસ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર છે. તેમજ દોઢ લાખ જેટલા ફૂટ પેકેટ હજુ બનાવાશે. પૂરા ગુજરાતમાં જ્યાં પણ જરૂર હશે ત્યાં આ ફૂડ પેકેટ મોકલવામાં આવશે. ઉપરાંત વાવાઝોડા બાદ અસરગ્રસ્તોને કરિયાણાની કીટ પણ મોકલવામાં આવશે. આ ફૂડ પેકેટ માટે રાડોના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ધર્મેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયતના સદસ્યો, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરશ્રીઓ, અગ્રણીશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, મનસુખભાઈ રામાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.