સિવિલ હોસ્પિટલના તબીબોમાં જાણે કે માનવતા મરી પરવારી હોય તેવી રીતે વૃદ્ધને સારવાર આપવાની જગ્યાએ ફંગોળ્યે જ રાખતાં અંતે વૃદ્ધને સારવારની જગ્યાએ મોત મળતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મુળ પોરબંદરના અને છેલ્લા દસ વર્ષથી ચોટીલામાં રહેતા દેવદાસભાઈ હરદાસભાઈ રાઠોડની ગતરાત્રે તબિયત બગડતાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. આ પછી આજે સવારે ફરી તેમની તબિયત ખરાબ થતાં ખાનગી વાહન મારફતે રાજકોટ પહોંચીને તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વૉર્ડમાં ખસેડ્યા હતા. સિવિલના ઈમરજન્સી વૉર્ડમાં ફરજ પર રહેલા મહિલા તબીબે દેવદાસભાઈની ઉપરછલ્લી તપાસ કરીને સીધું એમ કહી દીધું હતું કે આમને વૉર્ડ નં.8માં લઈ જાઓ આ સાથે તેમણે ત્યાં લઈ ગયા બાદ જેવા વૃદ્ધ નીચે ઉતર્યા કે ત્યાં જ ઢળી પડ્યા હતા અને અંતે તેમને મોત મળ્યું હતું. આશ્ચર્યની વાત એ પણ ગણી શકાય કે ઈમરજન્સી વૉર્ડમાં દેવદાસભાઈને ઊલટીઓ થઈ રહી હોવા છતાં ત્યાંના તબીબોએ તેમની સારવાર માટેની કોઈ જ તસ્દી લીધી ન્હોતી. સિવિલના ઈમરજન્સી વૉર્ડમાં તમામ પ્રકારની સારવાર કરવાની થતી હોય છે આમ છતાં અહીંના તબીબે લાપરવાહી દાખવતાં આખરે વૃદ્ધને મોત મળતાં ચકચાર મચી જવા પામી છે.