રાજકોટના સોરઠીયા વાડી વિસ્તારમાં ગતરાત્રે નવેક વાગ્યાના ભાજપના યુવા મોરચાના મંત્રી અને પૂર્વ કોર્પોરેટરના પુત્ર કરણ સોરઠીયાએ સરાજાહેર ફાયરિંગ કરી ભયનું વાતાવરણ ઉભું કરી દેતાં સનસનાટી મચી જવા પામી છે. સુલભમાં જવા જેવી ક્ષુલ્લક બાબતે ફાયરિંગ થવાની ઘટના પ્રકાશમાં આવતાં જ પોલીસમાં દોડધામ થઈ પડી છે. બીજી બાજુ બનાવ બનતાં ભક્તિનગર પોલીસ મથકે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની પોલીસના ધાડેધાડા ઉતરી ગયા હતા તેમજ તેની ધરપકડ કરી તેની સામે હત્યાના પ્રયાસ, પ્રોહિબિશનનો ગુનો નોંધી તેનું હથિયાર લાયસન્સ રદ્દ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને ટૂંક સમયમાં લાયસન્સ રદ્દ પણ થઈ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.આ સાથે પોલીસે ટસની મસ થયા વગર હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત કરણ ચિક્કાર નશામાં હોવાને કારણે તેની સામે પ્રોહિબિશનની કલમો હેઠળ પણ ગુનો નોંધાયો છે.તેમજ આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ બાબતે સ્પષ્ટતા કરવા માંગુ છું કે મારી નવા પ્રમુખ તરીકે નિમણુંક થયા બાદ બધી જ કમિટી બદલાય જતી હોય છે નવા જ હોદેદારોની નિમણુંક થતી હોય છે. કરણ સોરઠીયા કોઈ હોદા પર નથી તેમના પિતા અને માતા પૂર્વ કોર્પોરેટર છે એ વાત અમારા ધ્યાને આવી છે અને ફરિયાદ નોંધાતા પોલીસ કાયદાની રીતે કામ કરે છે. પાર્ટી દ્વારા આગળ શિસ્ત સમિતિને જાણ કરવામાં આવશે અને તે પછી શિસ્ત સમિતિ તેમની સામે જે કોઈ પગલાં લેવા તે લઇ શકે છે.