રાજકોટ શહેરના વોર્ડ નંબર 18માં આવેલ સ્વાતીપાર્ક સહિતના વિસ્તારના લોકોને લાંબા સમયથી રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. આ સાથે જ લોકોને પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ આ વિસ્તારનો રાજકોટ મનપાની હદમાં સમાવેશ થયાને પણ વર્ષો વીતી જવા છતાં કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી. આ મુદ્દે અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતા ગઈકાલે આ વિસ્તારના લોકોએ સાંઈબાબા સર્કલ નજીક ચક્કાજામ કર્યો હતો. ત્યારે આજે સતત બીજા દિવસે ગોંડલ રોડ નેશનલ હાઇવે પર સ્થાનિકોએ ચક્કાજામ સર્જ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકબીજાના હાથ પકડી રસ્તા વચ્ચે ઉભી રહી ગઈ હતી અને સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ ટોળા દ્વારા એમ્બ્યુલન્સ સિવાયના તમામ વાહનોને અટકાવી દેવામાં આવ્યા હતા. રોડ રસ્તા તેમજ પાણીની સુવિધા નહીં મળતા ગોંડલ ચોકડી થી કોઠારીયા રોડ સુધીનો રસ્તો બ્લોક કરી દીધો હતો. જેને પગલે સ્થાનિક પોલીસ દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.