ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાએ આચરેલા ભ્રષ્ટાચારનો મુદ્દો હાલ ગુજરાતમાં ગાજી રહ્યો છે, જેમાં એક નનામો પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પત્રમાં એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ગાંધીનગરના મુલાસણાની પાંજરાપોળની જમીનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભ્રષ્ટાચાર કર્યો છે. આ જ આક્ષેપને કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ સમર્થન આપ્યું હતું. તેમજ આ મુદ્દે પૂર્વ CM રૂપાણીએ આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે લાંગા મને બદનામ કરે છે, પંચમહાલ ખાતે મેં જ તેના વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા છે, તેમજ અમિત ચાવડા રાજકીય રોટલા શેકે છે. આ સાથે વધુ માં જણાવ્યું હતું કે સરકારે કોઈ ભ્રષ્ટાચારીને છોડયા નથી, અમારી સરકારે IAS અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી પરંતુ નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા નીકળ્યા હોય તેવું લાગે છે