દેશભરમાં ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ રિલિઝ થયા બાદ વિવાદોમાં રહી છે. જોકે વિવાદ વચ્ચે પણ ફિલ્મ સારી એવી કમાણી કરી રહી છે. રાજકોટમાં આ ફિલ્મને લઇને ક્રેઝ જોવા મળી રહ્યો છે. રાજશ્રી ટોકિઝમાં ફિલ્મ જોયા બાદ દર્શકો દ્વારા ‘જય શ્રી રામ’ના નારા લગાવવામાં આવ્યા હતા. અનેક વિવાદો વચ્ચે પણ શુક્રવારે ધ કેરલ સ્ટોરી ફિલ્મ સિનેમા ઘરોમાં રિલિઝ થઇ છે. રાજકોટમાં રાજશ્રી ટોકિઝમાં પણ તેને રિલિઝ કરવામાં આવી છે. આ ફિલ્મને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શનિવારે રાજકોટની આ ટોકિઝમાં ફિલ્મ જોવા આવેલા દર્શકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો. સિનેમા ઘરની અંદર અને બહાર યુવાનો દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા. ફિલ્મ શરૂ થતાંજ યુવાનો દ્વારા નારા લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ફિલ્મ પૂર્ણ થયા બાદ કેટલાક યુવાનો દ્વારા સિનેમા ઘરની બહાર જય શ્રી રામ અને છત્રપતિ શિવાજી મહારાજ કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. નોંધનીય છેકે, આ ફિલ્મનો ક્રેઝ યુવાનોમાં વધારે જોવા મળી રહ્યો છે.