રાજકોટ જિલ્લાના ન્યારા ગામે અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોહનભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ મુછડિયા નામના ભૂવાએ ગર્ભમાં રહેલું ખોડખાંપણવાળું બાળક સારું જન્મશે કહી વિધિના નામે રૂ.1.30 લાખ પડાવ્યા હતા. એટલું જ નહીં, ડોક્ટરોના કહેવા મુજબ ખોડખાંપણવાળું બાળક જન્મ્યા બાદ પણ તે જલદી સારું થઈ જશે, કહી વિધિના નામે ભૂવાએ કટકે કટકે રૂપિયા 1.30 લાખ વસૂલ્યા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનાર બકુલભાઇ હસમુખભાઇ ચાવડાએ વિજ્ઞાનજાથાનો સંપર્ક કર્યા બાદ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, કાંગસિયાળી ગામના બકુલ હસમુખભાઈ ચાવડા વિજ્ઞાન જાથાની ઓફિસે આવ્યા હતા. તેને જણાવ્યું હતું કે, અમારા લગ્ન વર્ષ ૨૦૧૩ જાન્યુઆરી ૨૩ ના રોજ હિન્દુ વિધિથી રાજકોટ થયા હતા. અમોને દસ વર્ષથી સંતાન હતું નહિ, સંતાન માટે અમોએ દવા શરૂ કરી હતી, તે દરમ્યાન ન્યારા ગામના ભુવો મોહનનો સંપર્ક થયો હતો. મારી પત્નિ ભારતી પ્રેગ્નેસી પિરીયડમાં હતી. અમોને ડોકટરે સલાહ આપી કે ગર્ભનું બાળક અવિકસીત-અપંગ, વિકલાંગ હોય દૂર કરવું હિતાવહ છે. ત્યાર બાદ બીજા બે ડોકટરોએ પણ વિકલાંગ બાળક હોય દૂર કરવા સલાહ આપી હતી. તે દરમ્યાન ૧૦ વર્ષ બાદ બાળક ગર્ભમાં હોય અમોએ ન્યારા ગામના ભુવા મોહન પાસે ગયા હતા. તેને ધૂણીને, દાણા આપી જણાવ્યું કે અંદર ગર્ભનું બાળકને દૂર કરશો નિહ, ડોકટરો ખોટા બોલે છે, તેની કોઈ ચાલ લાગે છે. ગર્ભ આસપાસ હું સુરયા ચક્ર મુકી દઈશ બાળક તંદુરસ્ત જ આવશે, ચિંતા કરશો નહિ. માંડવો, તાવો, મંદિર કરવું છે તે નામે રૂપિયાની માંગણી કરે છે.અમોએ આજ દિન સુધીમાં એક લાખ ત્રીસ હજાર આપ્યા છે. અમે ભુવાની વાતમાં આવી ગયા. ડોકટરની સલાહ માની નહિ. ભુવાના કહેવાથી પુત્રનો જન્મ થયો ને કાચની ખોટ સાથે માનસિક અપંગ આવ્યો, જન્મથી આજ દિન સુધી અપંગ હોય પોતાની જાતે કંઈ કરી શકે તેમ નથી કે હલન-ચલન કરી શકે તેવી સ્થિતિમાં નથી. જો.કે બીજી બાજુ આ ભૂવો પણ દંપતીને મારી નાખવાની વારંવાર ધમકી આપી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.