રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગંજીવાડા પાસે મહાકાળી ચોકમાં યુવકની હત્યા થયાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં માતાને ભગાડી જનાર યુવકને પુત્ર અને તેના કાકાએ સરાજાહેર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. હત્યાની આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હાલ બનાવને પગલે પોલીસ દ્વારા ત્રણ આરોપીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. થોરાળા વિસ્તારમાં હત્યાનો ભોગ બનનાર સલીમ જુસબ વણથરા ટ્રક ડ્રાઈવિંગ કરતો હતો. 2017ની સાલમાં તે ગંજીવાડા વિસ્તારમાં રહેતા આરોપી અવેશની માતાને ભગાડી ગયો હતો. ત્યારથી અવેશને તેની ઉપર ખાર હતો. જો કે આ બાબતની જાણ હોવાથી સલીમ થોરાળા વિસ્તારમાં આવવાનું ટાળતો હતો. હાલ તે કાલાવડ અને જામનગર તરફ રહેતો હોવાની માહિતી થોરાડા પોલીસને મળી હતી. છરીના લગભગ 12 જેટલા ઘા ઝીંકી સરાજાહેર હત્યા નિપજાવી આરોપી ભાગી ગયા હતા.