રાજકોટમાં ગઈકાલે મનપાનાં સેક્રેટરી દ્વારા વિપક્ષ નેતાનું કાર્યાલય અને કાર પરત લેવા માટે મ્યુનિ. કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જેને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના શાસકો દ્વારા કાર ભલે પરત લેવામાં આવે પરંતુ કાર્યાલય ચાલુ રાખવું જોઈએ. આ માટે મેયરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. છતાં જો કાર્યાલય ખાલી કરાવી કોઈ જગ્યા આપવામાં નહીં આવે તો વિપક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો સહિતના નેતાઓ RMCનાં બગીચામાં બેસી લોકોના પ્રશ્નો સાંભળશે. તેમ આકરા પ્રહારો કરતાં વધુમાં જણાવ્યુ હતું કે પોતાના આકાઓને ખુશ કરવા માટે વિપક્ષ પદ છિનવી લીધું છે. ભૂતકાળ યાદ કરાવતા તેમણે રાજકોટ ભાજપના પીઢ નેતા ચીમનભાઈ શુક્લને પણ યાદ કર્યા હતા. તેમના સમયમાં વિપક્ષને જરૂરી સુવિધા અપાઈ હોવાનું કહ્યું હતું અને ભાનુબેન સોરાણીએ અલગ અલગ ભાજપની ફાઈલો કાઢી એટલા માટે વિપક્ષ નેતાનું પદ લઈ લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો.
..