રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારમા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મવડી વિસ્તારમાં સ્વામિનારાયણ ચોક નજીક અંબાજી કળવા સોસાયટી ખાતે તૈયાર કેરીનો રસનું વેચાણ કરતા બે વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંબાજી કળવા વિસ્તારમાં આવેલ કનકાઈ કેરી રસ અને શ્રીરાજ કેરી રસ નામની બે દુકાનોમાં ચેકિંગ કરતા બન્ને જગ્યાએથી એસેન્સ અને કલરનો ઉપયોગ કરી બનાવવામાં આવતો કેરીનો રસ મળી આવ્યો છે. કનકાઇ કેરીનો રસ ખાતેથી 160 કિલો અને શ્રીરાજ કેરીનો રસ ખાતેથી 220 કિલો અખાદ્ય કેરીનો રસ મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરી બન્ને જગ્યાએથી રસના નમૂના મેળવી સેમ્પલ લેબોરેટરી ખાતે પરીક્ષણ અર્થે મોકલી નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરી છે. આમ કુલમનપા દ્વારા સ્થળ પર જ કુલ 380 કિલો અખાદ્ય કેરીના રસનો નાશ કરવામાં આવ્યો હતો. વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના રૈયા ચોકડીથી રૈયા સ્મશાન સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં 28 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચકાસણી દરમિયાન 9 પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ સ્થળ પર 37 કિલો એક્સપાયરી થયેલ પેક્ડ ખાદ્યચીજોનો નાશ કરવામાં આવ્યો હતો.