બિપરજોય વાવાઝોડું આગળ વધી રહેલ છે અને તીવ્રતા ખુબ જ છે ત્યારે મહાનગરપાલિકા પણ વાવાઝોડાના અનુસંધાને ઝુંબેશના રૂપમાં જુદા જુદા પગલાં લઈ રહી છે.આ કામગીરી અનુસંધાને મેયર ડો. પ્રદિપ ડવ તથા ઇન્ચાર્જ કમિશનર અનિલ ધામેલિયાએ આજે સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઇ લોકોના સ્થળાંતર, હોર્ડિંગ અને બેનર હટાવવા, બાંધકામ સાઈટ અને ભંગારના ડેલા બંધ રખાવવા સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ સ્લમ વિસ્તારના લોકોને વાવાઝોડાની ગંભીરતા સમજાવી સ્થળાંતર માટે સમજાવ્યા હતા.આ સાથે વાવાઝોડા અંતર્ગત મેયર ડો. પ્રદિપ ડવે અલગ અલગ વિસ્તારમાં ચાલી રહેલ હાઈરાઈઝ બિલ્ડીંગ બાંધકામની મુલાકાત લઇ બહાર ઝુપડામાં રહેતા બાંધકામના શ્રમિકોને અંદર સલામત સ્થળે ખસેડવા તેમજ તા. 15 જુન સુધી બાંધકામ સાઈટ બંધ રાખવા વિનંતી કરી હતી.તેમજ વોર્ડ નં.1માં રૈયાધાર ઝુપડાપટ્ટીમાં કાચા અને ઝુપડા મકાનમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા સમજાવ્યા હતા. ફૂડ પેકેટની વ્યવસ્થા સાથે ભંગારના ડેલાના ધંધાર્થીઓને ડેલા બંધ રાખવા સમજાવેલ હતા. આ મુલાકાત સમયે સ્થાનિક કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા.