નવી દિલ્હી, ૦૯ જૂન ૨૦૨૫:
અમેરિકામાં આજથી 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી:7 અન્ય દેશો પર આંશિક પ્રતિબંધ; ટ્રમ્પે કહ્યું- દેશને આતંકવાદથી બચાવવા નિર્ણય લીધો; લિસ્ટમાંથી પાકિસ્તાનની બાદબાકી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૪ જૂને જાહેર કરેલા આદેશ મુજબ, આજથી એટલે કે ૯ જૂનથી ૧૨ દેશના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. આ ઉપરાંત, ૭ અન્ય દેશના નાગરિકો પર આંશિક પ્રતિબંધ લાદવામાં આવશે. આ પ્રતિબંધ ઇમિગ્રેશન અને નોન-ઇમિગ્રેશન વિઝા બંને પર લાગુ પડશે. ટ્રમ્પે પોતાના આ નિર્ણય પાછળ અમેરિકન લોકોના જીવનની સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણનો ઉલ્લેખ કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટ્રાવેલ પ્રતિબંધ હેઠળ સંપૂર્ણપણે નો-એન્ટ્રી મેળવનાર આ ૧૨ દેશો
- અફઘાનિસ્તાન (Afghanistan)
- મ્યાનમાર (Myanmar)
- ચાડ (Chad)
- રિપબ્લિક ઓફ કોંગો (Republic of the Congo)
- ઈક્વેટોરિયલ ગિની (Equatorial Guinea)
- એરિટ્રિયા (Eritrea)
- હૈતી (Haiti)
- ઈરાન (Iran)
- લિબિયા (Libya)
- સોમાલિયા (Somalia)
- સુદાન (Sudan)
- યમન (Yemen)
ટ્રમ્પનો તર્ક: “દેશને આતંકવાદથી બચાવવા નિર્ણય લીધો”
ટ્રમ્પે ૪ જૂને જણાવ્યું હતું કે, “આતંકવાદી હુમલા કરવાનો, રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો, નફરત ફેલાવવાનો અથવા ઇમિગ્રેશન કાયદાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરતા વિદેશી નાગરિકોથી યુનાઇટેડ સ્ટેટ્સનું રક્ષણ કરવું મહત્ત્વપૂર્ણ છે.”
સંપૂર્ણ પ્રતિબંધ અને આંશિક પ્રતિબંધ વચ્ચેનો તફાવત
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, સંપૂર્ણ પ્રતિબંધનો અર્થ એ છે કે તે દેશના મોટા ભાગના નાગરિકોને યુએસમાં પ્રવેશવાથી સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે છે. આમાં ટૂરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા અને ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માગતા લોકોનો સમાવેશ થાય છે.
જ્યારે, આંશિક પ્રતિબંધનો અર્થ એ છે કે તે દેશના નાગરિકો માટે ચોક્કસ પ્રકારના વિઝા અથવા પ્રવેશો પ્રતિબંધિત છે, પરંતુ અન્ય લોકો માટે નહીં. ઉદાહરણ તરીકે, તમને ઇમિગ્રન્ટ વિઝા નહીં મળે, પણ તમે ટૂરિસ્ટ વિઝા મેળવી શકો છો. વિદ્યાર્થીઓને પરવાનગી મળી શકે છે, પરંતુ વર્ક વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
વિઝા આપતી વખતે સાવધાની રાખવા ટ્રમ્પની અપીલ
ટ્રમ્પે અન્ય દેશોના નાગરિકોને વિઝા આપતી વખતે સાવધાની રાખવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે વિઝા આપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એવા લોકો અમેરિકા ન આવે, જે અમેરિકનો અથવા દેશના હિતોને નુકસાન પહોંચાડી શકે.
ટ્રમ્પે વધુમાં કહ્યું, “ઇમિગ્રેશન વિઝા પર આવતા લોકો કાયમી રહેવાસી બની જાય છે, તેથી તેમની તપાસ કરવી વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. સુરક્ષા ખતરો હોય તો પણ આ લોકોને બહાર કાઢવા મુશ્કેલ હોય છે. બીજી તરફ, નોન-ઇમિગ્રેશન વિઝા પર આવતા લોકોની તપાસ ઓછી થાય છે, તેથી એવા દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે, જ્યાં ઓળખ અને માહિતી શેરિંગ સંબંધિત વ્યવસ્થાઓ સારી નથી.”
૨૦૧૭નો મુસ્લિમ બહુમતી ધરાવતા ૭ દેશો પરનો પ્રતિબંધ
ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ૨૦૧૭માં ટ્રાવેલ પ્રતિબંધ લાદ્યો હતો, જેને ઘણીવાર “મુસ્લિમ પ્રતિબંધ” તરીકે ઓળખવામાં આવે છે. જાન્યુઆરી ૨૦૧૭માં જારી કરાયેલા આદેશ અનુસાર, શરૂઆતના પ્રતિબંધમાં ઈરાન, ઇરાક, લિબિયા, સોમાલિયા, સુદાન, સિરિયા અને યમન સહિત સાત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
બાદમાં તેમાં ફેરફારો કરવામાં આવ્યા. પહેલા ઇરાકને આ યાદીમાંથી હટાવવામાં આવ્યું. બાદમાં સુદાનને દૂર કરવામાં આવ્યું અને તેની જગ્યાએ ચાડને ઉમેરવામાં આવ્યું. પછી ઉત્તર કોરિયા અને વેનેઝુએલા જેવા બિન-મુસ્લિમ દેશોને પણ સામેલ કરવામાં આવ્યા, જેથી તેને ધાર્મિક ભેદભાવ ન કહી શકાય.
આ પ્રતિબંધને કોર્ટમાં પડકારાયો હતો, પરંતુ ૨૦૧૮માં યુએસ સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખ્યો હતો. જો બાઈડને ૨૦૨૧માં રાષ્ટ્રપતિ બનતાંની સાથે જ આ ટ્રાવેલ પ્રતિબંધ રદ કર્યો હતો.
આ આદેશમાંથી પાકિસ્તાનની બાદબાકી નોંધનીય છે.
આતંકવાદને રોકવા પ્રતિબંધો જરૂરી: ટ્રમ્પ
ટ્રમ્પે આતંકવાદને રોકવા માટે આ પ્રતિબંધોને જરૂરી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રતિબંધો એટલા માટે પણ જરૂરી છે, જેથી વિદેશી સરકારો પાસેથી સહયોગ મેળવી શકાય, ઇમિગ્રેશન કાયદા લાગુ કરી શકાય અને રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનીતિ અને આતંકવાદ સામેના કાર્યને આગળ ધપાવી શકાય.
આદેશમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા નિયંત્રિત છે, જે એક આતંકવાદી જૂથ છે અને પાસપોર્ટ અથવા નાગરિક દસ્તાવેજો જારી કરવા માટે કોઈ સક્ષમ અથવા સહાયક સરકાર નથી. ઉપરાંત ત્યાં કોઈ યોગ્ય ચકાસણી પદ્ધતિઓ નથી.