33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

૧૦ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસઃ સિંહ જંગલનો રાજા પણ જંગલમાં સિંહણોની સંખ્યા વધુ


રાજકોટ
૧૦મી ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકારના વનવિભાગના જતન-સંવર્ધનના સાર્થક પ્રયાસોના કારણે સિંહની વસતી નોંધપાત્ર રીતે વધી છે. વર્ષ ૨૦૨૦ના પૂનમ અવલોકન (ગણતરી) મુજબ, રાજ્યમાં સિંહની વસતી ૬૭૪ છે. મહત્ત્વનું છે કે, આ ગણતરીમાં જંગલના રાજા સિંહ કરતાં સિંહણની વસતી વધુ જોવામાં આવી છે.
ગીર જંગલના પૂનમ અવલોકન ૫-૬-જૂન, ૨૦૨૦ના અહેવાલ મુજબ, ગીરમાં પુખ્ત સિંહની સંખ્યા ૧૬૧  સામે સિંહણની સંખ્યા ૨૬૦ છે. જ્યારે સબ એડલ્ટ સિંહ ૪૫ તો સબ એડલ્ટ સિંહણ ૪૯ છે. જ્યારે ૨૨ની જાતિ જાણી શકાઈ નથી. ૧૩૭ સિંહબાળ છે. કુલ મળીને ૬૭૪ સિંહ વસતી જોવાઈ છે. ગીરમાં પુખ્ત સિંહ-સિંહણની વસતીનો રેશિયો ૧:૧.૬૧ જોવામાં આવ્યો છે.
આ અવલોકનમાં ૬૭૪ સિંહ વસતી કુલ મળીને ૨૯૪ સ્થળો પર જોવા મળી છે. જેમાં ૫૨.૦૪ ટકા સિંહ જંગલ વિસ્તારમાં જોવા મળ્યા છે. જ્યારે ૪૭.૯૬ ટકા બિન જંગલ વિસ્તારમાં દેખાયા હતા. જેમાં ૨૬.૧૯ ટકા સિંહ વેરાન જમીન, ૧૩.૨૭ ટકા સિંહ ખેતી વિસ્તાર, ૩.૭૪ ટકા સિંહ નદીકાંઠા વિસ્તાર, ૨.૦૪ ટકા સિંહ એગ્રીકલ્ચરલ પ્લાન્ટેશન, ૨.૦૪ ટકા સિંહ માનવ વસતી નજીક જ્યારે ૦.૬૮ ટકા ઔદ્યોગિક વિસ્તાર નજીક જોવા મળ્યા હતા.
વર્ષ ૨૦૧૫માં સિંહની વસતી ૫૨૩ નોંધાઈ હતી, જે અગાઉના વર્ષો કરતાં ૨૭ ટકા વધુ હતી. પરંતુ વર્ષ ૨૦૨૦માં સિંહની વસતી ૬૭૪ થઈ છે. જે અગાઉના વર્ષ કરતાં ૨૮.૮૭ ટકાની, છેલ્લા કેટલાક સમયની સર્વાધિક વૃદ્ધિ દર્શાવે છે.
વર્ષ ૨૦૧૫માં સિંહ સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ૨૨ હજાર કિલોમીટર વિસ્તારમાં જોવા મળ્યા હતા, જ્યારે વર્ષ ૨૦૨૦માં સૌરાષ્ટ્રના નવ જિલ્લામાં ૩૦ હજાર કિલોમીટરમાં જોવા મળ્યા છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરના ૫૩ તાલુકાઓનો સમાવેશ થાય છે. આમ સિંહ લેન્ડ સ્કેપમાં વર્ષ ૨૦૧૫ કરતાં વર્ષ ૨૦૨૦માં ૩૬ ટકા વૃદ્ધિ જોવા મળી છે.
જો એક દાયકાનો સમયકાળ સાથે જોવામાં આવે તો, અગાઉના દાયકા ૨૦૧૦ કરતા ગત દાયકા ૨૦૨૦માં સિંહની વસતીમાં ૬૪ ટકાનો વધારો જોવા મળે છે. ૨૦૧૦માં ૨૦ હજાર ચોરસ કિલોમીટરમાં ૪૧૧ સિંહ હતા તેની સામે ૨૦૨૦માં ૩૦ હજાર ચો.કિ.મી.માં ૬૭૪ સિંહ છે.
• ક્યા વિસ્તારમાં સૌથી વધુ સિંહ?
પૂનમ અવલોકન-૨૦૨૦ મુજબ, કુલ નવ સેટેલાઇટ વિસ્તારોમાં સિંહની વસતી જોવા મળી છે. જેમાં સૌથી વધુ ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં ૩૩૪ સિંહ વસતી જોવા મળી છે. પાણીયા વાઇલ્ડલાઇફ અભયારણ્યમાં ૧૦ સિંહની વસતી, મિતિયાળા અભયારણ્યમાં ૧૬, ગીરનાર અભયારણ્યમાં ૫૬, દક્ષિણ-પશ્ચિમ દરિયાઈ કાંઠા (સુત્રાપાડા, કોડીનાર, ઉના, વેરાવળ) ક્ષેત્રમાં ૨૦, દક્ષિણ-પૂર્વ દરિયાઈ કાંઠા (રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી)માં ૬૭, સાવરકુંડલા-લીલીયા અને અમરેલીના આસપાસના વિસ્તારોમાં ૯૮, ભાવનગર મેઇન લેન્ડમાં ૫૬, જ્યારે ભાવનગર દરિયાકાંઠામાં ૧૭ સિંહની વસતી જોવા મળી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -