મતદારયાદી નિરીક્ષક આર.બી.બારડ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે. ત્યારે તેઓએ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે જિલ્લાના શેખપર અને લીમલી બુથની મુલાકાત લીધી હતી. તેમજ તેઓએ બુથ લેવલ ઓફિસર પાસેથી ગામમાં મતદારોની સંખ્યા, નવા સંભવિત મતદારો, 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો વગેરે વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેમણે બુથ લેવલ ઓફિસરને અલગ-અલગ ફોર્મ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ ઑનલાઈન ફોર્મ ભરવા વિશેની પણ વિસ્તૃત જાણકારી આપી હતી. ઉપરાંત ખાસ ઝુંબેશના દિવસોએ બુથ લેવલ ઓફિસરને ગામમાં ઘરે-ઘરે જઈને કામગીરી કરવા માટે સૂચનો પણ કર્યા હતા. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા જણાવ્યું હતું. મતદારયાદી નિરીક્ષકએ શેખપર ગામમાં 80 વર્ષથી વધુ ઉંમરના સવિતાબેન ગોસાઈની મુલાકાત લઈ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. ત્યારબાદ તેમને કૃતજ્ઞતાપત્ર આપી લોકશાહીમાં તેમનાં યોગદાનને બિરદાવી આગામી ચૂંટણીમાં મતદાન કરવા જણાવ્યું હતું. આ સાથે જ આ મુલાકાતમાં પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચર, થાન મામલતદાર અરુણ શર્મા, મુળી મામલતદાર સહિત બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }