સુરતમાં સણીયા હેમાદ ગામમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિક સોસાયટી દ્વારા વિરોધ કરાતા વહીવટી તંત્ર દ્વારા કારખાનાને બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ એ જ વિસ્તારના અન્ય લોકો અને કામદારો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને કારખાનાઓને ફરી શરૂ કરવાની માગ સાથે ગ્રામજનો અને કામદારોએ વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં મોટાભાગે એમ્બ્રોડરી મશીનો ધમધમી રહ્યા છે. આખા વિસ્તારમાં ખારાપાટવાળી જમીન હોવાને કારણે અહીં ખેતી થઈ શકે તેવી સ્થિતિ ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેથી પ્રદૂષણ ન ફેલાવતી હોય તેવી ઇન્ડસ્ટ્રીઝને ગામની આસપાસ સ્થાપવાની વાતને સ્થાનિકો સમર્થન કરી રહ્યા છે. ખારાપાટની જમીન હોવાથી ખેતીની કિંમત ઉપજતી નથી. જેના કારણે પ્રદૂષણ મુક્ત ઇન્ડસ્ટ્રીઝ આવે તો તેનો ઉંચો ભાવ મળે તે પ્રકારનો મત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.કારખાનામાં કામ કરતા જીતેન્દ્રએ જણાવ્યું કે અમે સારી રીતે રોજગારી મેળવી રહ્યા હતા. પરંતુ અત્યારે ત્યાં સીલ લાગી ગયું છે. તેના કારણે અમને ખૂબ મુશ્કેલી થઈ રહી છે. કોરોના બાદ અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. થોડા સમય માટે કારખાના શરૂ થતા ફરી રોજગારી મળવાની શરૂ થઈ હતી. પરંતુ સાઈગંગા સોસાયટીના કેટલાક લોકો દ્વારા વિરોધ કરાતા કારખાના બંધ કરી દેવાયા છે. અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. માત્ર કેટલાક લોકોના કારણે આખી ઇન્ડસ્ટ્રીઝ ઉપર મુશ્કેલી આવી પડી છે. સ્થાનિકો કારખાનાના સમર્થનમાં આજે રજૂઆત કરવા માટે આવ્યા છે. ઝડપથી કારખાના ફરી શરૂ થાય તેવી અમે સરકારને માંગણી કરી રહ્યા છીએ.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત