સુરતના કોઝ વેનો વધુ એક વીડિયો વાઈરલ થયો છે. કોઝ વે ઓવરફ્લો છતાં જીવના જોખમે ચાર લોકો કોઝવે પર આરામ માણી રહ્યા હોવાનું વાઈરલ વીડિયોમાં સામે આવ્યું છે. તંત્ર તરફથી મનાઈ છતાં કોઝવે પર લોકોનો પ્રવેશ યથાવત જોવા મળી રહ્યો છે. એક તરફ કોઝ વે પર પાણીનો ઘસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચાર લોકો પીકનીક મનાવી રહ્યા હોય તેમ આરામ ફરમાવી રહ્યા છે. આરામ ફરમાવતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અગાઉ કોઝવે પર પોલીસ જવાનોને પણ તૈનાત કરાયા હતા.પરંતુ પરિસ્થિતિ ફરી “જૈસે થે વૈસે “જેવી જોવા મળી રહી છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કોઝવે સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. વાહન-વ્યવહાર અને લોકોની અવરજવર માટે બંધ કરાયો છે. તેમ છતાં લોકો જીવના જોખમે ફરી રહ્યાં હોવાથી નિયમોના લીરે લીરા ઉડી રહ્યાં છે.
ઉદય તન્ના