સાળંગપુર ભીંતચિત્ર વિવાદ મામલે હવે વિરોધ નોંધાવવા મોરબી, ટંકારા તાલુકા સહિતના સાધુ સંતો મહંતો આગળ આવ્યા છે અને મોરબીના સાધુ સંત સમુદાયે મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ ઉમટી પડી પહેલા હનુમાનજી ચાલીસાનું પઠન કરીને આ સમગ્ર વિવાદ મામલે કલેકટરને આવેદન આપ્યું હતું તેમજ હિન્દૂ ધર્મનું અપમાન કરવા મામલે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો તેમજ હિન્દૂ સમાજની લાગણી દુભાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોરબી, માળીયા, ટંકારાના રામાનંદીય સાધુ સમાજના નેજા હેઠળ સાધુ સંત, મહંત સમુદાય તેમજ મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, તાજેતરમાં સાળંગપુરમાં સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે રામભક્ત અને કરોડો હિન્દૂઓની શ્રદ્ધા અને આસ્થા ધરવતા કસ્ટભંજક અને ભગવાન શિવજીના રુદ્ર અવતાર પવનપુત્ર ભગવાન હનુમાનજીને રજૂ કરવાના ભીતચિત્રો લગાવીને કરોડો હિન્દૂઓની લાગણી દુભાવી છે. ભગવાન હનુમાનજી એકમાત્ર ભગવાન રામના ભક્ત છે. આ ભગવાનને સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે બતાવીને સનતન ધર્મ અને કરોડો હિન્દૂઓની શ્રદ્ધાને ઠેસ પહોંચાડી છે. આ કૃત્યને કોઈ કાળે સાંખી નહિ લેવાય, આ વિવાદથી કરોડો હિંદુઓ અને સાધુ સંતોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે. તેથી હિન્દૂ સમાજની લાગણી દુભાવતા આવા ભીતચિત્રો તાકીદે દૂર કરવા તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અંતમાં માંગ કરી છે.