સાળંગપુરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીનાં દાસ તરીકે દર્શાવવામાં આવતા દેશભરનાં સનાતન હિન્દુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહી છે, ત્યારે આ મુદ્દે હવે રાજકોટમાં વિવિધ સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને સમગ્ર મામલે તારીખ 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળા દરમિયાન વિવાદાસ્પદ પ્રતિમાઓ હટાવી લેવામાં નહીં આવે તો સાળંગપુરમાં જઈને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેમજ કરણી સેના અને શ્રી રમાનંદી નવનિર્માણ સેન ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ સહિતના અન્ય સંગઠનોનાં આગેવાનોએ પણ આ અંગે વિરોધ નોંધાવ્યો છે. તો બીજી તરફ ગૃહમંત્રી અને સરકાર સમગ્ર મામલે કડક પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ નિમિતે ‘સાળંગપુર કા રાજા’ તરીકે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ નીચે પથ્થર કોતરણથી અલગ-અલગ આકૃતિ બનાવવામાં આવી છે. જેમાં હનુમાનજીને ઉત્તરપ્રદેશનાં છાપૈયા ગામના ઘનશ્યામ પંડ્યા ઉર્ફ સહજાનંદ સ્વામી ઉર્ફે નિલકંઠવર્ણી સામે હાથ જોડીને દાસ દર્શાવવામાં આવ્યા છે. જેને લઈને સનાતન હિન્દુ સમાજમાં ભારે રોષ જોવાઈ રહ્યો છે. આ અંગેની તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતાં સનાતન ધર્મનાં આગેવાનો આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ઠેર-ઠેર રોષની લાગણી જોવા મળી રહી છે.