રાજકોટ શહેરમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા 35 વકીલનાં ખાતામાંથી રૂ.10-10 હજાર ઉપડી ગયાનું સામે આવ્યું છે. આ મામલે રાજકોટ જિલ્લાનાં રેવન્યુ એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડિયા સહિતના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા AIGR અજય ચારેલ તેમજ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પણ પ્રાથમિક દૃષ્ટિએ વેબસાઈટ હેક થયાનું લાગતું નથી. વકીલોનાં જણાવ્યા અનુસાર આ ફ્રોડ આધારકાર્ડનાં કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને હાલ આધારકાર્ડ સિવાય અન્ય ડોક્યુમેન્ટ દ્વારા સાક્ષી તરીકે સહી કરાવવામાં આવી રહી છે.અહી ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સોફ્ટવેરની સિક્યોરિટી રિલેટેડ ફરિયાદો એસોસિએશન દ્વારા જિલ્લા નોંધણી ભવન ખાતે કરવામાં આવી હતી. અગાઉ ઓટોમેટિક એપોઇન્ટમેન્ટ લેવાઈ જવી, રકમ કપાઈ જવી તેમજ સિટીઝન પોર્ટલમાં ઓટીપી ન આવવા, કેપચા વગર લોગીન થઈ જવું, એક જ એપોઇન્ટમેન્ટ બે બે વ્યક્તિને એલોટ થઈ જવી અને લાંબા સમયે તેને રિફંડ આપવા જેવી સમસ્યા થતી હતી જે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. સોફ્ટવેરની સિક્યોરિટી સિસ્ટમ જૂની પુરાણી હોવાની ચર્ચા વકીલોમાં ચાલી રહી છે. તેમજ એસોસિએશન દ્વારા સોફ્ટવેરનું બીટા વર્ઝન હાલના સમય મુજબ સિક્યોરિટી માટે યોગ્ય ન હોય તાત્કાલિક બદલવામાં આવે તે પ્રકારની માગ પણ વકીલો દ્વારા કરવામાં આવી રહી છે.