32.2 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

સરકારી ભરતી અંગે મોટા સમાચાર: શિક્ષકોને શાળાની પુન:પસંદગીનો આદેશ


ગાંધીનગર: રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને અગાઉની શાળા પસંદગી અને ફાળવણી રદ કરવામાં આવી છે, અને હવે તમામ લાયક ઉમેદવારોને તા. ૦૯ જૂન, ૨૦૨૫ સુધીમાં ઓનલાઈન પુન:શાળા પસંદગી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની તા. ૨૬ મે, ૨૦૨૫ અને તા. ૦૫ જૂન, ૨૦૨૫ ના રોજ મળેલી બેઠકોમાં આ નિર્ણય લેવાયો હતો. આ પાછળનો મુખ્ય હેતુ વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવાનો, સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાનો, તેમજ શાળા પસંદગીમાં ઉમેદવારોને વધુ વિકલ્પો મળે તે હતો.

મહત્વના મુદ્દાઓ:

  • રદ થયેલ ફાળવણી: રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અંતર્ગત તા. ૧૩ થી ૧૭ મે, ૨૦૨૫ દરમિયાન ઉમેદવારો દ્વારા કરાયેલી શાળા પસંદગી અને તા. ૨૧ મે, ૨૦૨૫ ના રોજ થયેલી શાળા ફાળવણીને રદ કરવામાં આવી છે.
  • પુન:પસંદગી અનિવાર્ય: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે અગાઉ શાળા પસંદગી કરી હોય કે ન કરી હોય, અથવા શાળા ફાળવણી થઈ હોય કે ન થઈ હોય, તેવા તમામ ઉમેદવારોએ નવેસરથી શાળા પસંદગી કરવાની રહેશે.
  • અંતિમ તારીખ: તમામ ઉમેદવારોએ તા. ૦૯ જૂન, ૨૦૨૫ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધીમાં પોર્ટલ પર ઓનલાઈન પુન:શાળા પસંદગી કરવાની રહેશે.
  • બિનસરકારી શાળાઓ માટે પણ: બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોએ ઉપરોક્ત સમયમર્યાદામાં ઓનલાઈન શાળા પસંદગી કરવી પડશે.
  • નોંધ: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે, શાળા પસંદગી પ્રક્રિયામાં ભાગ ન લેનાર ઉમેદવારોને સંબંધિત ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

આ નિર્ણયથી હજારો શિક્ષક ઉમેદવારોને તેમની પસંદગીની શાળામાં નોકરી મેળવવાની વધુ એક તક પ્રાપ્ત થશે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -