રાજકોટ
મોજ ડેમ ઓવરફ્લો થતાં ૨૭ દરવાજા ૪ ફૂટ ખોલાયા,હેઠવાસના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ તા. ૨૦ જુલાઈ – નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, ગુણવત્તા નિયમન પેટા વિભાગ, રાજકોટ સિંચાઈ વર્તુળ તરફથી મળેલ સૂચના અનુસાર, ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર – ૧૫૨ મોજ ડેમ તેની નિર્ધારિત સપાટી ૭૨.૫૪ મી. એ ભરાઈને ઓવરફ્લો થતાં ડેમનાં ૨૭ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલ ૩૦૧૫૯ કયુસેકના પ્રવાહની આવક સામે ૩૦૧૫૯ કયુસેક પ્રવાહ છોડવામાં આવી રહ્યો હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીરા, ગઢાવા, કેરાળા, ખાખીજાળિયા, નવાપર, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ જિલ્લાનાં દસ ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલ નવા નીરની આવક
રાજકોટ તા. ૨૦ જુલાઈ – રાજકોટ જિલ્લાના દસ ડેમોમાં ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં આજી -૩ ડેમમાં ૩.૧૨ ફૂટ, ડોંડી ડેમમાં ૩.૯૪ ફૂટ, છાપરવાડી -૧ ડેમમાં ૧.૬૪ ફૂટ, છાપરવાડી -૨ ડેમમાં ૦.૯૮ ફૂટ, કરમાળ ડેમમાં ૦.૩૩ ફૂટ, ભાદર-૨ ડેમમાં ૦.૪૯ ફૂટ, ભાદર ડેમમાં ૦.૫૯ ફૂટ, ન્યારી-૧ ડેમમાં ૦.૧૬ ફૂટ, માલગઢ ડેમમાં ૦.૩૩ ફૂટ,ઘેલા સોમનાથ ડેમમાં ૦.૧૦ ફૂટ, સહિતના ડેમોમાં નવા પાણીની આવક થઇ છે.
આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સોડવદર ડેમમાં ૧૪૦ મી.મી., મોજ ડેમમાં ૧૩૫ મી.મી., સુરવો ડેમમાં ૧૧૩ મી.મી., ફોફળ ડેમમાં ૮૧ મી.મી., ડોંડી ડેમમાં ૮૦ મી.મી., વેણુ- ૨ ડેમમાં ૮૫ મી.મી., ભાદર-૨ ડેમમાં ૭૦ મી.મી., આજી-૩ ડેમમાં ૫૫ મી.મી., મોતીસર ડેમમાં ૫૦ મી.મી., ન્યારી-૨ અને ખોડાપીપર ડેમમાં ૪૫ મી.મી., ન્યારી-૧ ડેમમાં ૨૮ મી.મી., છાપરવાડી-૧ ડેમમાં ૨૦ મી.મી., છાપરવાડી-૨ ડેમમાં ૧૪ મી.મી., ગોંડલી, વેરી, ઈશ્વરીયા, કરમાળ, ઘેલાસોમનાથ, માલગઢ ડેમમાં ૧૦ મી.મી., ભાદર ડેમમાં ૯ મી.મી, આજી-૨ ડેમમાં ૭ મી.મી. વરસાદ થયો છે. તેમ રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
ભાદર-૨ ડેમના ૫ દરવાજા ૫ ફુટ ખોલાયા, હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના
રાજકોટ તા. ૨૦ જુલાઈ – રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમ તરફથી મળેલ સૂચના અનુસાર, ભારે વરસાદને કારણે ધોરાજી તાલુકાના ભાદર-૨ ડેમનાં ૫ દરવાજા ૫ ફૂટ ખોલવામાં આવ્યા છે તથા ૩૫૪૮૧ કયુસેક પાણીની આવક સામે ૩૫૪૮૧ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો હોવાથી ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા તથા ઉપલેટાના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.
આજી-૩ ડેમ ૯૦% ભરાઈ જતા હેઠવાસના ગ્રામજનોને સાવચેત રહેવા સુચના
રાજકોટ, તા. ૨૦ જૂલાઈ – રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસેનો આજી-૩ ડેમ વરસાદને કારણે સવારે ૦૬-૩૬ કલાકની સ્થિતિએ ૯૦ ટકા ભરાઈ જવામાં હોવાથી પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. આથી, ડેમની હેઠવાસમાં આવતા પડધરી તાલુકાના ખજુરડી, થોરીયાળી, મોટા ખીજડીયા સહિતના ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા મામલતદારશ્રી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.