સોમનાથ ખાતે અર્વાચીન પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રીની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. અધિક શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી એટલે કે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ મંદિરમાં રાત્રિના 10:00 વાગ્યે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, કથાકાર શ્રી ભાવિનભાઈ રાવલ,પૂર્વ માહિતી કમિશનર શ્રી દિલીપભાઈ ઠાકર, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો તેમજ ભક્તજનો જોડાયા હતા. અધિક શ્રાવણ પર શિવરાત્રીના અવસરે રાત્રે 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રિ પર કરવામાં આવતી આ મહાઆરતી સ્થાનિક તેમજ બહારથી આવતા શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આજે પણ હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં “હર હર ભોલે, જય સોમનાથ”ના નાદ સાથે મહાઆરતીમાં જોડાયા હતા. સોમનાથ મહાદેવની મધ્યરાત્રીની આ મહાઆરતી શ્રદ્ધાળુઓને વિશેષ ઉર્જા અને અલભ્યતાનો અનુભવ થાય છે.
રિપોર્ટર ભરતસિંહ જાદવ