દેશભરમાં સતત વધતી મોંઘવારીને પગલે કોંગ્રેસ દ્વારા આજે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટમાં પણ મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી ગળામાં શાકભાજીના હાર પહેરી તેમજ વિવિધ બેનરો સાથે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સ્મૃતિ ઈરાની સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.જેમાં ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ચારેબાજુથી મોંઘવારી સતત વધી રહી છે. જેથી સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે ત્યારે ‘બહુત હુઈ મહેંગાઈ કી માર’ જેવા જુઠ્ઠા સૂત્રો આપનાર ભાજપ સરકારનાં PM હાલ મૌન બેઠા છે. તેમજ તેલમાં એક કે બે રૂપિયાનો ભાવ વધતા સ્મૃતિ ઈરાની અગાઉ વીરાંગનાં થઈ જતા હતા. તે હવે ક્યાં છે ? તેમને પણ અમે કહેવા માંગીએ છીએ કે, તમે રસ્તા પર ઉતરો અને જનતાની પરિસ્થિતિનો ક્યાસ કાઢી મદદ કરવાનો પ્રયાસ કરો.વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ તેલ, કઠોળ, શાકભાજી સહિતની તમામ જીવનજરૂરી વસ્તુઓનાં ભાવ આકાશે આંબ્યા છે. ટામેટાનાં ભાવ 105 રૂપિયે કિલો અને આદુ કે કોથમીર 200 રૂપિયાને પાર થયા છે. ડુંગળી અને બટેટામાં પણ 25 રૂપિયા તેમજ દરેક શાકભાજીમાં કિલોએ 20થી 25 રૂપિયાનો વધારો થયો છે. જેને લઈને ગરીબ તેમજ મધ્યમ વર્ગનાં લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે ત્યારે લોકો પણ હવે કહે છે કે, બસ થયું ભાજપ સરકાર હવે અમારી પરિસ્થિતિ સમજો.