શહેરનાં વોર્ડ નં.16 ના કોઠારીયા મેઈનરોડ પર આવેલ વિવેકાનંદ સોસાયટીમાં વિધર્મીને મકાન વેંચાણ કરવાનો મામલો સળગ્યો છે.આ પ્રકારના વિવેકાનંદનગરનાં રહિશોએ વિશાળ સંખ્યામાં આજે જુની કલેકટરરી કચેરીમાં પડાવ નાંખી બેમુદતી ધરણા આંદોલન શરૂ કરી દીધા છે. તેમજ પ્રાંત અધિકારી-1 ને આવેદનપત્ર સુપ્રત કરી વિધર્મીને વેંચાણ કરાયેલ આ મકાનનો દસ્તાવેજ રદ કરવા તેમજ મકાનને સીલ મારી દેવા માંગણી ઉઠાવી વિવેકાનંદ નગરના રહીશોએ જણાવ્યું હતું કે આ મામલે યોગ્ય કાર્યવાહી નહિં થાય ત્યાં સુધી તેઓની લડત શરૂ રહેશે. તેમાંજ વિવેકાનંદનગર સોસાયટીનાં રહીશો એ આ અંગે જણાવ્યુ હતું કે વિવેકાનંદનગર શેરી નં.4 ના કોર્નર પરનું કૃષ્ણ કિરાણા ભંડાર સામેનું મકાન વિધર્મીને વેચાણ કરી દેવાયું છે. જેમાં ખરીદનાર પાર્ટી જયભાઈ સોજીત્રાના નામે મકાનનો દસ્તાવેજ થવા પામેલ છે. આ મકાનની ખરીદીમાં નાણાં વિધર્મી શખ્સ દ્વારા રોકવામાં આવેલ હોય આ દસ્તાવેજ રદ કરી મકાનને સીલ મારવા માટે રજુઆત કરી છે. તેમાંજ તેઓએ વધુમાં જણાવ્યું છે કે આ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવતો હોવા છતાં વિધર્મીને મકાન વેંચી નખાયુ છે. આ વિવાદ પ્રોપર્ટીના મામલે ભકિતનગર પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ સરવૈયા દ્વારા તપાસ કરાતા માલુમ પડયુ છે કે આ પ્રોપર્ટીમાં નાણા રોકનાર વિધર્મી દ્વારા લતાવાસીઓને ધાક ધમકી આપવામાં આવી રહી છે. તેમાંજ આ અંગે અગાઉ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાતાં પોલીસ દ્વારા આ પ્રકરણમાં ગુન્હો દાખલ કરી ધમકી આપનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે.