“રૂડા” વિસ્તારમાં બેડી-માલીયાસણ હયાત ૪-માર્ગીય રસ્તાના મજબુતીકરણ કરવા માટે સાઈટ વિઝિટ કરતા “રૂડા”ના ચેરમેન આનંદ પટેલ
સ્થળ પર જ રૂ.૧૭.૧૫ કરોડના પ્રોજેક્ટને વહીવટી મંજુરી આપી ટેન્ડર પ્રક્રિયા ઝડપભેર આગળ ધપાવવા આપી સુચના
રાજકોટ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા રૂડા હેઠળના વિવિધ ગામોના વિસ્તારોમાં લોકોની સુખ-સુવિધાઓમાં વધારો કરવા ક્રમશઃ વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત “રૂડા”ના ચેરમેનશ્રી આનંદ પટેલે તા. ૦૧-૦૭-૨૦૨૩ના રોજ રૂડા વિસ્તારમાં સ્થિત બેડી-માલીયાસણ હયાત ૪-માર્ગીય રસ્તાના મજબુતીકરણ અનુસંધાને સાઈટ વિઝિટ કરી હતી. આ સાઈટ વિઝિટ દરમ્યાન ચેરમેનશ્રીએ વિવિધ મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરી સ્થળ પર જ આ પ્રોજેક્ટને મંજૂરી આપી આ માટેના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાવી હવે પછીની કાર્યવાહી ઝડપભેર આગળ ધપાવવા સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી.
આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા “રૂડા”ના ચેરમેનશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, રીંગરોડ-૧, બેડી-માલીયાસણ રોડ (બેડી ચોકડીથી માલીયાસણ ચોકડી/નેશનલ હાઈવે-૨૭) સુધીનાં હયાત રસ્તાની મુલાકાત કરી રસ્તાની સ્થિતિની નિરીક્ષણ તથા હયાત ૪-માર્ગીય રસ્તાના મજબુતીકરણ કરવા માટે રકમ રૂ.૧૭.૧૫ કરોડની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે તથા ટેન્ડર પ્રસિધ્ધ કરવા જણાવવામાં આવેલ. આ રોડની કામગીરી પૂર્ણ થવાથી જામનગર તથા રાજકોટ તરફથી અમદાવાદ તરફ જતા વાહનોને અવર-જવરમાં વધુ સાનુકુળતા રહેશે.
આ વિઝિટ દરમ્યાન “રૂડા”ના ચેરમેન આનંદ પટેલ, રૂડાના CEA ઠુંમર, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ડી.ઈ.ઈ. વિજય સાવલીયા, મુકેશ સોઢા હાજર રહ્યા હતા.