રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગરોડ પર આવેલા રીલાયન્સ મોલના પાર્કીંગમાં બોમ્બ પડયો હોવાની જાણ કરાતા પોલીસ તંત્ર અને ફાયરબ્રિગેડમાં દોડધામ મચી ગઈ હતી. મોલમાં સ્ટોર ધરાવતા માલીકો અને કર્મચારીઓમાં પણ શું બની રહયું છે તે વિચારી ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. માહિતી મળતાની સાથે જ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, માલવીયાનગર પોલીસ કાફલો, ટ્રાફિક પોલીસ અને ફાયરબ્રિગેડ પોતપોતાના સ્ટાફ સાથે રીલાયન્સ મોલના પાર્કિંગમાં પહોંચી હતી અને પાર્કિંગના ખુણેખુણામાં સર્ચ ઓપરેશન હાથધર્યું હતું. પાર્ક થયેલા વાહનોની ડેકી, વાહન માલીકોના સામાનની તપાસ કરવામાં આવી હતી. અંતે કંપાઉન્ડમાંથી એક શંકાસ્પદ બોકસ મળી આવ્યું હતું જેને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડે ખાસ પ્રકારના યુનિફોર્મ પહેરી કબ્જે લીધુ હતું. પરંતુ અંદરથી કાંઇ મળી આવ્યું ન હતું. સવારે ૧૦:૧૦ વાગ્યાથી ૧૦:૪૫ સુધી આ કવાયત હાથ ધરવામાં આવી હતી. અંતે બોમ્બની માહિતી સંદર્ભિત મોકડ્રીલ યોજાયું હતું.