ગુજરાતમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ પૂર્વે જિલ્લા વાઇઝ પ્રિ-વાઇબ્રન્ટનાં આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે રાજકોટનાં કાલાવડ રોડ પરની રિજન્સી લગુન હોટેલ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં પ્રિ-વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે રૂ.1280 કરોડથી વધુ રકમના રોકાણોના સાત કરાર – એમ.ઓ.યુ. સાઈન થયા હતા. આ તકે કપાસનાં ભાવો અને નુકસાની અંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, પાછોતરા વરસાદને કારણે કપાસને નુકસાન થયાનો સ્વીકાર કરું છું. આ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા પણ કરી છે. અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પ્રદાન કરશે. વડાપ્રધાન ના દૂરંદેશી નેતૃત્વ હેઠળ 2003માં શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક ફોરમ તરીકે પ્રસ્થાપિત થઈ છે, અને ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે.