રાજકોટ શહેરમાં કાલે મોડી સાંજે અકસ્માતની એક ઘટના સામે આવી હતી. જેમાં BRTS બસની હડફેટે એક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. શહેરના મહાપૂજા ધામ ચોક નજીક મનાઈ છતાં એક યુવક રેલિંગ કૂદીને BRTS ટ્રેકમાં ઘૂસ્યો હતો. ત્યારે અહીંથી પસાર થતી બસે હડફેટે લેતા BRTS ટ્રેકમાં જ પટકાયો હતો. તેમજઆ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઇ જતા લોકો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી. જો કે તેમાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.આ સાથે સમગ્ર ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક રોડ ક્રોસ કરવા માટે બીઆરટીએસ ટ્રેક કૂદી રહ્યો છે. ટ્રેક પરથી કૂદીને તે દોડતો સામે નીકળી જવાનો પ્રયાસ કરે છે.આ દરમિયાન ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસની હડફેટે આવતા ફૂટબોલની માફક ફંગોળાઈને રસ્તા પર પટકાય છે.તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. અને યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી યુવકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે 150 ફૂટ રિંગરોડ પર ટ્રાફિકજામના દ્રશ્યોપણ સર્જાયા હતા. જોકે પોલીસ તેમજ TRB જવાનો દ્વારા મહામહેનતે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો..