રાજકોટ શહેરમાં શુધ્ધ ઘી, આઇસ્ક્રીમ સહિતની બનાવટમાં કેવી ભેળસેળ થાય છે તેના રીપોર્ટ અને આકરા દંડની કાર્યવાહીનો અહેવાલ ગઇકાલે જ આરોગ્ય વિભાગે જાહેર કર્યો હતો ત્યાં જુના માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલી એક ખાદ્ય તેલ ઉત્પાદક પેઢીમાંથી રૂા.સાડા ચાર લાખની કિંમતનો 278 ડબ્બા શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવતા ચકચાર જાગી છે. કપાસીયા તેલમાં પામોલીન તેલની ભેળસેળની બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યા બાદ તમામ માલ સીલ કરી દેવામાં આવ્યાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે. તેમજ આ જગ્યાએ સંગ્રહ કરવામાં આવેલા અલગ અલગ બ્રાન્ડના તેલના ડબ્બા પૈકી શંકાસ્પદ મળેલા માલને સીલ કરી દેવામાં આવ્યો છે. 15 કિલોના પેકીંગમાં રહેલો વિકાસ રીફાઇન્ડ કપાસીયા તેલના 266 ડબ્બા, 3990 કિલો માલ શંકાસ્પદ લાગ્યો હતો. જેની કિંમત રૂા. 4,25,600 થાય છે. આ ઉપરાંત વી-લાઇટ રીફાઇન્ડ તેલના 12 ડબ્બા, 178 લીટર રૂા. 19402નો માલ પણ ભેળસેળવાળો લાગ્યો હતો. જેથી કુલ રૂા. 4.25 લાખનો 4168 કિલો માલ સીઝ કરી દેવાયો છે. જયારે 15 લીટરના વી-લાઇટ રીફાઈન્ડ તેલ, સનફલાવર તેલ તથા ખેડૂત બ્રાન્ડ 100 ટકા શુધ્ધ તેલના નમુના લઇ લેબોરેટરી પરીક્ષણમાં મોકલાયા છે. આ ઉત્પાદક અને પેકર્સ દ્વારા કપાસીયા તેલમાં પામ તેલની ભેળસેળ કરાતી હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું. હવે લેબોરેટરી રીપોર્ટ આવે ત્યાં સુધી આ માલ સરકારી સીલ હેઠળ રહેશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.