ભારત સરકાર દ્વારા રેલવે નેટવર્કને મજબુત બનાવવા માળખાગત સુવિધાઓનો આયોજનબદ્ધ વિકાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ – સુરેન્દ્રનગર વચ્ચે રેલવે લાઈનનું ડબલ ટ્રેકિંગ કાર્ય તાજેતરમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ ખાતે થનાર છે. આ ૧૧૬ કિલોમીટર લાંબી રેલવે લાઈન રૂ. ૧૩૫૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જે તૈયાર થતા રાજકોટને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે તેમજ અમદાવાદ તરફની ટ્રેનોની ઝડપ અને નિયમિતતામાં વધારો થશે. ઉપરાંત, સુરેન્દ્રનગરથી અમદાવાદ હયાત ડબલ ટ્રેકને લીધે રાજકોટ અને અમદાવાદ વચ્ચે સુદ્રઢ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત થશે. જેને લીધે રાજકોટની અન્ય રાજ્યો સાથે પણ રેલ કનેક્ટિવિટી વધુ સુગમ અને ઝડપી બનશે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે વધારે સંખ્યામાં ઝડપથી ટ્રેનો ચલાવી શકાશે. વધુમાં આ ટ્રેક ઉમેરાવાથી માળખાગત ક્ષમતા વધતાં વધુ રેલવે ટ્રાફિક ચલાવી શકાશે, જેને લીધે વધારે ગુડ્સ ટ્રેનો દ્વારા રેલવેની આવકમાં વધારો થશે. આ ટ્રેક સાથે સાથે તમામ જરૂરી સુવિધાઓ અને સાધનો લગાવવાનું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.