રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એકાદ મહિના પહેલાં ઢેબર રોડ તેમજ હુડકો ચોકડી પાસેથી પાંચ ટ્રક ભરીને શંકાસ્પદ સીરપનો જથ્થો પકડ્યો હતો જેમાં આલ્કોહોલનું મીશ્રણ છે કે નહીં તેની ખરાઈ કરવા નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા જેના રિપોર્ટ પોઝીટીવ આવતાં જ ક્રાઈમ બ્રાન્ચે ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત છ લોકો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આજે આ કાંડમાં સામેલ ત્રણ લોકોને પકડી લેવામાં આવ્યા છે જ્યારે સૂત્રધાર સહિત ત્રણ લોકો હજુ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે સીરપકાંડમાં કુલ છ લોકો સામે ગુનો નોંધ્યો છે જે પૈકી લખધીરસિંહ કાળુભા જાડેજા, અશોકભાઈ ગગજીભાઈ ચૌહાણ તેમજ જયરાજ અમરશીભાઈ ખેરડીયા ની ધરપકડ કરી લીધી છે જ્યારે સીરપમાં આલ્કોહોલ ભેળવી તેને નશીલું બનાવવાના કાંડમાં સામેલ મુખ્ય સૂત્રધાર રૂપેશ નટવરલાલ ડોડિયા, તેનો ભાઈ ધર્મેન્દ્ર નટવરલાલ ડોડિયા અને મેહુલ અરવિંદભાઈ જસાણી હજુ ફરાર હોય તેને પકડવા માટે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પકડાયેલા લખધીરસિંહ, જયરાજ અને અશોકની પૂછપરછ કરવામાં આવતાં આ લોકો માત્ર ટ્રકમાં સીરપના બોક્સ ભરવાનું અને ઉતારવાનું જ કામ કરી રહ્યા હતા. આખરે આ સીરપનું ઉત્પાદન ક્યાં થઈ રહ્યું હતું કેવી રીતે આ લોકો નકલી સીરપ બનાવતા હતા, કેટલા સમયથી આ પ્રકારનો ગોરખધંધો ચલાવી રહ્યા હતા તે સહિતના મુદ્દે મુખ્ય સૂત્રધાર અને ભાજપના પૂર્વ હોદ્દેદાર રૂપેશ ડોડિયા આણી ટોળકી પકડાયા બાદ જ ખુલાસો થઈ શકશે.