રાજકોટ સિવિલ હોસ્પિટલ કોઇને કોઇ કારણસર વિવાદમાં આવતી જ રહે છે તેમાં હવે નર્સિંગ સ્ટાફ દર્દીઓના સ્વજનો સાથે ગેરવર્તન કરી સારવાર બંધ કરાવવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં હેતલબેન ચીખલિયા નામના મહિલાનો પુત્ર દેવરાજ દાખલ છે. તેઓએ સોમવારે બપોરે બહાર આવીને હોબાળો મચાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમનું બાળક દાખલ છે અને ગંભીર છે. ક્યારેક કહે છે કે એક કિડનીમાં વાંધો છે ક્યારેક કહે છે કે બીજી કિડનીમાં વાંધો છે હકીકત જણાવતા નથી. બાળકને નાક, મોઢા અને મૂત્રાશયમાં નળીઓ છે તેથી બાળકને અગવડતા થતી હોવાથી તેને પકડવા માટે બે લોકોની જરૂર પડે પણ નર્સિંગ સ્ટાફ કોઇને રહેવા દેતા નથી બાળક પડી જાય છે. જો કઈ પણ કહીએ તો નર્સ ડોક્ટરની સામે કહી દે છે કે તો હવે આગળની કોઇ સારવાર કરાશે નહિ! સારવાર બંધ કરી દેવાની ધમકી આપે છે. જો સિવિલ હોસ્પિટલ સ્ટાફના આ પ્રકારના વર્તને લઇને ચકચાર મચી જવા પામી છે.