રાજકોટના જીએમએસસીએલ વેરહાઉસમાં ખાનગી કંપનીની એમઆરપી લખેલી દવા પર સ્ટિકર લગાવી તેને પેનલ્ટીથી બચાવી સ્ટોક ઉધારી દઈ બાદમાં તે જ દવાના સ્ટિકર ઉખેડી બારોબાર વેચી દેવાના કૌભાંડના પર્દાફાશ બાદ તપાસમાં રોજ નવી બાબત સામે આવે છે. ગાંધીનગરથી ટીમ આવી ત્યારે સ્થળ પરથી સિવિલ હોસ્પિટલને દવા વેચ્યાની પહોંચ મળી હતી જે હેત્વિક હેલ્થ કેરની હતી અને આ પેઢી વેરહાઉસના મેનેજર અને કૌભાંડના સૂત્રધાર પ્રતિક રાણપરાની જ હતી. આ કારણે તે સરકારી કર્મચારી હોવા ઉપરાંત વેરહાઉસમાંથી કૌભાંડ કરી દવા સરકારી એકમને જ વેચતો હોવાનું ખુલ્યું છે. તેમજ આ તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે, સિવિલમાં પ્રતિકની જ પેઢીની દવા ખરીદાય તે માટે પ્રતિકે સિવિલના સ્ટોર ઈન્ચાર્જ ડો. રોય, ફાર્માસિસ્ટ બી. એમ. મેતલિયા, રાજેન્દ્ર રાઠોડ અને વી.કે. શિંગાળા સહિતનાઓ સાથે સંપર્ક કરી લીધા હતા. દવાની અછત થાય એટલે સિવિલમાંથી પહેલા જીએમએસસીએલમાં ફોન કરવાનો હોય જે પ્રતિક જ સંભાળતો હતો. આ રીતે કઈ દવાની ઘટ છે તેને ખબર પડી જતી તેનો તે સ્ટોક કરી લેતો અને એક મહિના બાદ દવા ક્યાંય મળતી નથી તેવું બહાનું કાઢી સિવિલના ફાર્માસિસ્ટ પ્રતિકની પેઢીમાં ફોન કરીને દવા મગાવી બિલ મંજૂર કરી લેતા. નિયમ મુજબ એક બિલ 10,000 રૂપિયાનું જ બને તેથી અમુક 5 તો અમુક 7 હજારના બિલ બનતા. આ રીતે રોજની 60,000 રૂપિયાની ખરીદી સિવિલમાં થાય છે.