રાજકોટ શહેરના કાલાવડ રોડ પર સયાજી હોટેલ સામે વૃંદાવન રોડ પર પાર્ક કરાયેલી આઠ જેટલી કારના કોઇ અજાણ્યો શખસ કાચ ફોડીને ભાગી જતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અમીન માર્ગ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી એમ-196 માં રહેતાં અને ટુર ટ્રાવેલ્સનું સંચાલન કરતાં રાજનભાઇ જયપ્રકાશભાઇ કાલરીયાની ફરિયાદ પરથી અજાણ્યા શખસ સામે કારના કાચ ફોડી નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં રાજનભાઇ કાલરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેં મારી કાર સયાજી હોટેલના ગેટ પાસે પાર્કિંગ કરવા માટે આપી હતી. પ્રસંગ પુરો થતાં રાતે 9.30 વાગ્યે હોટેલનો કર્મચારી મારી કાર લઇ વેલેટમાં આવતાં તેમાં ખાલી સાઇડનો પાછળનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. તેમજ અમારી ત્રણેયની કારના કાચ ફોડી આશરે 50 હજારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. અને અમારા સિવાયની અન્ય ચારેક કારના કાચ પણ ફોડવામાં આવ્યા હતાં. જેઓ કાર લઇને જતાં રહ્યા હતાં. અમે પ્રસંગ માટે સયાજી હોટેલ ખાતે ગયા હોઇ ત્યાં અમારી કાર હોટેલની સામેના રોડ પર રાખવામાં આવી હતી. ત્યાં કોઇ આઠેક કારના કાચ તોડી ગયું હતું. ત્યારે કોઈએ ટીખળ કરવા કાચ ફોડ્યા કે પછી ચોરીના ઇરાદે કાચ ફોડવામાં આવ્યા એ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.