24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ શહેરનો કચરો ન્યારીમાં તણાઈ પહોંચ્યો કણકોટ; સવારે નીકળીએ એટલે દૃશ્ય જોઈને જીવ ઉકળે: જીવાણી


રાજકોટ શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં ટોપ-10માં સ્થાન મેળવે છે અને તમામ ઘન કચરાનો યોગ્ય નિકાલ થયાનો દાવો કરે છે. પણ, મનપાની હદ બહારના ગામોમાં તપાસ કરીએ તો શહેરની ગંદકી ત્યાં જ ઠલવાતી હોવાનું ચિત્ર દેખાય છે. આવું જ કણકોટ ગામના સ્મશાન પાસેના ન્યારીના કાંઠે થયું છે. રાજકોટ શહેરમાંથી જે પણ કચરો નદી કાંઠે ઠલવાય છે તે બધો જ તણાઈને હવાની દિશા અને વહેણને કારણે કણકોટ ગામે એકઠો થાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે, તેમાં પ્લાસ્ટિક જ હોય છે જે પશુ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે. તેમજ રાજકોટ શહેરના પશ્ચિમ ભાગને ન્યારી ડેમ પીવાનું પાણી પૂરું પાડે છે. આ ડેમનો એક કાંઠો કણકોટ ગામ પાસે આવે છે. દર વર્ષે ચોમાસામાં જ્યારે ન્યારીમાં પાણીની જંગી આવક થાય છે ત્યારબાદ શહેરનો કચરો ડેમમાં ભળીને આ જ કાંઠે એકઠો થાય છે. જે સાબિત કરે છે કે મનપાના વોંકળા સફાઈના દાવાઓ કેટલા પોકળ છે. જો મનપા સ્વચ્છતાને લઈને ગંભીર હોય તો પોતાની જ માલિકીનો ન્યારી ડેમ ગંદકીયુક્ત થવા ન દે. હવે આ કચરો સાફ કરવો હોય તો તેમાં બોટ ઉતારીને ઝુંબેશ હાથ ધરવી પડે તો જ સ્વચ્છતા કહેવાય નહીં તો આ ફક્ત કચરાનું એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કર્યા જેવું જ રહેશે. તેમજ આ અંગે ​​​​​​​રાજકોટના સાઇક્લિસ્ટ તુષાર જીવાણીના જણાવ્યા અનુસાર તે અને તેમના મિત્ર હરસુખભાઈ પટેલ અને ડો. હિમાંશુ કોયાણી અહીંથી જ સાઇક્લિંગ કરે છે. કાંઠા પર કચરો જોઇને તેમને દુ:ખ થાય છે. જેને લઈને તેઓના ગ્રૂપે મનપાને પણ સફાઈ માટે ઘણી વિનંતીઓ કરી હતી. છેવટે મેયર સુધી વાત પહોંચતા તેઓએ ટીપરવાન તેમજ સાધનો આપવાની ખાતરી આપી છે. જેથી રવિવારે સવારથી જ સફાઈ ઝુંબેશ હાથ ધરશે. થોડા વર્ષો અગાઉ પણ ન્યારી અને આજી ડેમમાં આવી સ્થિતિ જોવા મળતા તેમના મિત્ર વર્તુળોએ બંને ડેમમાંથી અનેક ટન કચરો બહાર કાઢ્યો હતો.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -