રાજકોટ શહેરના વોર્ડ નં.14માં ગાયત્રીનગર મેઈન રોડ ઉપર આવેલ શાળા નં.34માં ગેરકાયદેસર રીતે બાંધેલા પશુઓને જપ્ત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી જતા ઢોર પકડ પાર્ટી અને મહિલા વચ્ચે ધબધબાટી બોલી જવા પામી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલ શાળા નં.34 છેલ્લા ઘણા સમયથી ખંઢેર હાલતમાં ફેરવાયેલ છે. જેમાં અનઅધિકૃત રીતે કબ્જો જમાવી ઢોર બાંધવામાં આવતા હોવાની લાંબા સમયથી ફરીયાદો ઉઠવા પામી હતી. તેમજ શાળા નં.34ની જગ્યા એ કાનૂની મેટર બનવા પામી છે. દરમ્યાન બંધ હાલતમાં રહેલી આ શાળામાં અનઅધિકૃત રીતે બંધાયેલા ઢોરો (પશુઓ)નો કબ્જો લેવા માટે મ્યુ.કોર્પો.ની ઢોર પકડ પાર્ટી જતા આ ઢોર પકડ પાર્ટી અને મહિલાઓ વચ્ચે માથાકૂટ અને ધમાલ સર્જાતા ગાળાગાળી પણ થવા પામી હતી. મામલે બીચકતા ઢોર પકડ પાર્ટી દ્વારા મહિલા વિજીલન્સ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જોકે મ્યુ.કોર્પો.ની ઢોર પકડ પાર્ટીએ આ ઓપરેશન દરમ્યાન ત્રણ જેટલી ભેંસો જપ્ત કરી હતી.