રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર-લોકમેળા સમિતિ દ્વારા આગામી તા.5થી 9 સપ્ટેમ્બર દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલ ‘રસરંગ’ લોકમેળા માટે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળા માટે લોકમેળા સમિતિ દ્વારા 4 કરોડનો વિમો લેવામાં આવેલ છે. કલેકટર પ્રભવ જોશીએ આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે આયોજીત કરાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, લોકમેળાનું ઉદ્ઘાટન ગત વર્ષે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ વખતે પણ લોકમેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર અને લોકમેળા સમિતિ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવાશે. લોકમેળા દરમ્યાન થનારી આવક ઈશ્વરીયા પાર્ક, ઈવનીંગ પોસ્ટ, ઘેલા સોમનાથ, કબા ગાંધીનો ડેલો સહિતના જીલ્લાના વિકાસ કામો પાછળ વાપરવામાં આવશે. તેમજ રૂા.51 લાખ કે તેથી વધુ રકમનો ચેક લોકમેળા દરમ્યાન થનારી આવકમાંથી આપવામાં આવશે. આ ઉપરાંત મેળા દરમ્યાન યાંત્રીક રાઈડ્સમાં અકસ્માતની કોઈ ઘટના ન ઘટે તે માટે સર્ટીફાઈડ રાઈડ્સને જ વહીવટી તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા મંજુરી આપવામાં આવશે. આ ઉપરાંત મેળા દરમ્યાન ગ્રાઉન્ડમાં કાદવ, કીચડ અને ગંદકી ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવશે. તેમજ મેળાનું ગ્રાઉન્ડ સ્વચ્છ રહે અને વરસાદી પાણી ન ભરાય તે માટે મેટલ ગ્રાઉન્ડમાં પાથરવામાં આવશે. આ ઉપરાંત ગ્રાઉન્ડમાં ગંદકી ન થાય તેની પણ પુરતી તકેદારી રાખવામાં આવશે. તેમજ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.