રાજકોટમાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા વિદ્યાલયમાં આજરોજ તા. 10 ને ગુરૂવારના રોજ દેશભક્તિના રંગે રંગાઈને ભાઈ – બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાની 500 વિદ્યાર્થીનીઓએ પોતાના હાથે બનાવેલ રાખડીઓ તેમજ પોતાની લાગણીઓ રજૂ કરતો પત્ર લખીને સ્થળ પરના દેશના જવાનોની સુરક્ષા હેતુ 1111 જેટલી રાખડીઓ પોસ્ટ દ્વારા સરહદ પર મોકલવામાં આવી હતી. તદુપરાંત રોટરી ક્લબના સહયોગથી પોસ્ટ ઓફિસના માધ્યમથી શાળાની પ્રત્યેક વિદ્યાર્થિનીઓને સ્વાતંત્ર પર્વ નિમિતે રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી ડો. અલ્પાબેન ત્રિવેદી, પોસ્ટ વિભાગમાંથી હેડપોસ્ટ માસ્ટર અભિજિત, નીરજભાઈ રાજદેવ, રોટરી ક્લબના પ્રમુખ અનિલભાઈ જસાણી, સેક્રેટરી શૈલેષભાઈ દેસાઈ અને લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં આચાર્ય વિનોદભાઈ ગજેરાએ હાજરી આપી હતી. કાર્યક્રમ શાળાના આચાર્ય ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શાળાના સમગ્ર સ્ટાફના સહયોગથી સફળ રહ્યો હતો.