રાજ્યના જેલના વડા કે.એલ.એન.રાવના હસ્તે રવિવારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પ્રતીક્ષાકક્ષ અને એમટી રૂમને ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર નીકળતા કેદીઓને બહાર કોઇ રોજગારી નહીં મળે તો જેલ તંત્રને રોજગારી અપાવવામાં મદદરૂપ થશે તેવું ડો.રાવે કહ્યું છે. જેલમાં તાજેતરમાં યોજાયેલા બંદીવાન રમતોત્સવના વિજેતાઓને ડો.રાવના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. કેદીઓને સંબોધતાં ડો.રાવે જણાવ્યું હતું કે, જેલમાં રહેલા કેદીઓ સ્વસ્થ રહે અને બહાર રહેતા લોકો જેમ પોતાના આરોગ્ય માટે જાગૃત હોય છે તેમ કેદી પણ પોતાના આરોગ્ય માટે જાગૃત થાય તે માટે રાજકોટ જેલમાં કેદીઓ માટે બંદીવાન રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 550 કેદીએ ભાગ લીધો હતો. તેમજ હવેથી દર વર્ષે 26મી જાન્યુઆરીએ રાજ્યની તમામ જેલમાં કેદીઓ માટે ખેલ મહોત્સવ યોજવામાં આવશે. આ ઉપરાંત ડો.રાવે કહ્યું હતું કે, સજા ભોગવીને જેલમાંથી મુક્ત થતા કેદીઓને બહાર કોઇ રોજગારી નહીં આપે તો તેને જેલ રોજગારી આપવામાં મદદ કરશે.