ભારત સરકારે શરૂ કરેલા ઓપરેશન સિંદુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અને હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આ અંગે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આપણે યુદ્ધ માટે તૈયાર રહેવુ જોઈએ. ઓપરેશન સિંદુર હજુ ચાલુ છે. જંગ થાય તો જયહિન્દ અને ભારત વિજયના લક્ષ્ય સાથે આગળ વધવાનું છે’ તેમજ જો પાકિસ્તાન અવળચંડાઈ કરે તો જડબાતોડ જવાબ આપવા સેના તૈયાર છે. ત્યારે લોકો પણ પૂરો સહકાર આપે તે જરૂરી છે. પાકિસ્તાન જે ઉશ્કેરણીજનક હરકતો કરી રહ્યું છે, તે તેને ઘણી ભારે પડશે. તેમણે જણાવ્યું કે “ઓપરેશન સિંદૂર” હજુ ચાલુ છે, અને હાલ ચોક્કસ સ્થિતિ શું છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ લશ્કરના વડાઓ જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના ઉચ્ચ નેતાઓ વચ્ચે બેઠકોનો જે દોર ચાલી રહ્યો છે, તે સ્પષ્ટપણે સૂચવે છે કે દેશે યુદ્ધ માટે સજ્જ થઈ રહ્યું છે.