રાજકોટ આરટીઓ કચેરીના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને તેના સ્ટાફના બે કર્મચારી છ દિવસ પહેલા રાજકોટ-અમદાવાદ હાઈવે પર ત્રિમંદિર પાસે વાહન ચેકિંગની ફરજ પર હતા. ત્યારે એક ગાડીને રેતી ઓવરલોડિંગનો 42 હજારનો મેમો આપતાં ડ્રાઈવર મેમો લઇને જતો રહ્યો હતો. બાદમાં બીજા ડમ્પરને રોકી મેમાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ વખતે જ આ ડમ્પર પાછળ ટેન્કર અથડાતાં ટોળા ભેગા થઈ જતાં આરટીઓ અધિકારીએ તુરંત ટોળા વિખેર્યા હતા.અને ટેન્કરચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડ્યો હતો. આ પછી અચાનક સાતેક જણાએ આવી જઈ આરટીઓ અધિકારીને ઘેરી લઇ ‘તે કેમ અમારી ગાડીને મેમો આપ્યો, તને એસીબીમાં ફસાવી દઇશું, તારી ઉપર ગાડી ચડાવી દઇશું, સસ્પેન્ડ કરાવી દઇશું’ તેમ કહી મોટા અવાજે દેકારા કરી ફરજમાં રૂકાવટ કરી સરકારી ગાડીમાં ધૂંબા મારી ધમાલ મચાવી હતી. આ સમગ્ર ઘટના બોડીવોર્ન કેમેરામાં રેકોર્ડ થઈ હોઇ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતાં ફરિયાદ નોંધાવાઇ છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ટોળકીમાં સુત્રધાર સહિત બે રાજકોટ ટ્રાફિક પોલીસના ટીઆરબી કર્મચારી પણ છે. તેમજ આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે આકાશવાણી ગવર્નમેન્ટ ક્વાર્ટર સી-108માં રહેતાં આરટીઓના આસી. ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હિકલ કલ્પરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાની ફરિયાદ પરથી ટીઆરબી ધનરાજ, ટીઆરબી સચીન ઉર્ફે માખેલ, મયુર સોલંકી, લાલો આહિર ઉર્ફે લાલો વરૂ અને કરણ બોરીચા તથા બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ આઇપીસી 143, 186, 294 (ખ), 506 (2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ આ અંગે કલ્પેશસિંહ ઝાલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, હું બે વર્ષથી આરટીઓમાં આસી. ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. ગત 28.07.2023ના રોજ સાંજે ચારથી રાતના બાર સુધી માલિયાસણથી કુવાડવા ચોકડીથી કુવાડવા રોડ ઉપર વાહન ચેકિંગની ફરજ હોવાથી હું આરટીઓની સરકારી સ્કોર્પિયો જીજે-18-જીબી-8103 લઈને સાથી કર્મચારી ગાર્ડ દાઉદબીન તથા ડ્રાઇવર અજયભાઇ પરમારને લઇને ફરજ પર નીકળ્યો હતો. અમે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ત્રિમંદિર સામે પુલ ઉતરતાં એક ડમ્પર જીજે-10-ટીએક્સ-5202ને રાતે 9 વાગ્યે ચેકિંગ માટે અટકાવ્યું હતું.